વક્રી ગ્રહો - ૧

જ્યારે કોઈ ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો દેખાય ત્યારે તે ગ્રહ વક્રી થયો કહેવાય છે. સામાન્ય રીતે ગ્રહો રાશિચક્રની દિશામાં એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરે છે. રાશિચક્રની દિશામાં ગતિ કરતાં ગ્રહોને માર્ગી ગ્રહો કહેવાય છે. પરંતુ ક્યારેક ગ્રહો રાશિચક્રથી ઉલટી દિશામાં એટલે કે મેષથી મીન તરફ જતાં દેખાય છે. રાશિચક્રથી ઉલટી દિશામાં ગતિ કરતાં ગ્રહોને વક્રી ગ્રહો કહેવાય છે. અહીં હકિકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ પાછળ તરફ ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. આ દ્રષ્ટિ ભ્રમ શા કારણે થાય છે તે ઉદાહરણ દ્વારા સમજીએ.

ધારોકે આપણે એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છીએ. આપણી બાજુનાં પાટા પરથી બીજી ટ્રેન પસાર થઈ રહી છે. બીજી ટ્રેન આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ તે જ દિશામાં જઈ રહી છે. પરંતુ તે ટ્રેનની ગતિ આપણી ટ્રેન કરતાં ધીમી છે. એક સમય એવો આવશે કે આપણી ટ્રેન બાજુની ટ્રેનની સાથે થઈ જશે અને થોડીવારમાં બાજુની ટ્રેનને પાછળ મૂકીને આપણી ટ્રેન આગળ વધી જશે. જ્યારે આપણી ટ્રેન બાજુની ટ્રેનની સાથે થશે ત્યારે થોડી ક્ષણ પૂરતી બંને ટ્રેનની ગતિ સરખી લાગશે અને ટ્રેન સ્થંભી ગઈ હોય તેવું જણાશે. પરંતુ ધીમે-ધીમે બાજુની ટ્રેન પાછળ તરફ જઈ રહી હોય તેવો ભ્રમ થશે. ગ્રહોનાં સંદર્ભમાં પણ કંઇક આવી જ ઘટના ઘટે છે. પૃથ્વી પરથી જોતાં પહેલાં ગ્રહ માર્ગી દેખાય છે. ત્યારબાદ સ્થંભી દેખાઈને વક્રી થઈ જાય છે.

ભારતીય જ્યોતિષમાં પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવામાં આવી છે અને દરેક અવકાશીય ઘટનાનું નિરિક્ષણ પૃથ્વીનાં સંદર્ભમાં કરવામાં આવે છે. જ્યારે અંતર્વર્તી ગ્રહો બુધ અને શુક્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે વક્રી બનતાં જણાય છે. બુધ અને શુક્ર સૂર્યની બીજી તરફ એટલે કે જ્યારે ગ્રહ અને પૃથ્વી વચ્ચે સૂર્ય હોય ત્યારે આ ગ્રહો માર્ગી રહે છે.

બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ સૂર્યથી વિરુધ્ધ દિશામાં રહેલાં હોય ત્યારે વક્રી બને છે. એટલે કે જયારે બહિર્વર્તી ગ્રહ અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે જે-તે બહિર્વર્તી ગ્રહ વક્રી બનતો જણાય છે.

સૂર્ય અને ચન્દ્ર ક્યારેય વક્રી થતા નથી એટલે કે હંમેશા માર્ગી રહે છે. જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. નીચે મુજબનાં દિવસો સુઘી બુધથી લઈને શનિ સુધીનાં ૫ ગ્રહો વક્રી અને સ્થિર રહે છે.

બુધ વક્રી - ૨૪ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - લગભગ ૧ દિવસ
શુક્ર વક્રી - ૪૨ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - લગભગ ૨ દિવસ
મંગળ વક્રી - ૮૦ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - ૩ થી ૪ દિવસ
ગુરુ વક્રી - ૧૨૦ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - ૫ દિવસ
શનિ વક્રી - ૧૪૦ દિવસ; માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં સ્થિર - ૫ દિવસ

જન્મકુંડળીમાં બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ જ્યારે સૂર્યથી પંચમ સ્થાને આવે ત્યારે વક્રી થવાની શરૂઆત કરે છે અને ષષ્ઠ, સપ્તમ, અષ્ટમ સ્થાનોમાંથી પસાર થઈને નવમ સ્થાને આવે ત્યારે માર્ગી થાય છે. આથી આ ગ્રહો સૂર્યથી પંચમ અને નવમ સ્થાને ક્યારેક વક્રી હોય છે. જ્યારે ષષ્ઠ, સપ્તમ અને અષ્ટમ સ્થાને હંમેશા વક્રી હોય છે. અંતર્વર્તી ગ્રહો બુધ અને શુક્ર હંમેશા સૂર્યથી નજીક રહેતાં હોવાથી ફક્ત કુંડળી જોઈને તેઓ માર્ગી છે કે વક્રી તે જાણી શકાય નહિ.

વક્રી બનેલો ગ્રહ સૂર્યથી દૂર હોય છે અને પૃથ્વીથી સૌથી નજીક હોય છે. પૃથ્વીથી નજીક હોવાથી પોતાનાં ચુંબકીય અને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ગ્રહ પૃથ્વીને વિશેષ પ્રમાણમાં અસર કરે છે. આથી જ ફળાદેશમાં વક્રી ગ્રહ અગત્યનો બની રહે છે. ફળાદેશમાં વક્રી ગ્રહની ભૂમિકા અંગે હવે પછી ચર્ચા કરીશું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર