ગ્રહ મૈત્રીના સિધ્ધાંતો

આપણે અગાઉ જોયું કે દરેક ગ્રહો મિત્ર, શત્રુ અને સમ ગ્રહો ધરાવે છે. ગ્રહો કઈ રીતે પરસ્પર મિત્ર, શત્રુ અથવા સમ બને છે તે માટેનાં સિધ્ધાંતો નીચે મુજબ છે.

૧. ગ્રહની ઉચ્ચ રાશિનો સ્વામી તે ગ્રહનો મિત્ર બને છે.

૨. ગ્રહની મૂળત્રિકોણ રાશિ લો. મૂળત્રિકોણ રાશિથી ૧૨ અને ૨, ૪ અને ૫, ૮ અને ૯ રાશિના સ્વામીઓ તે ગ્રહના મિત્ર બને છે.

૩. આ સિવાયની બાકીની રાશિઓ એટલે કે ગ્રહની મૂળત્રિકોણ રાશિથી ૧ અને ૩, ૬ અને ૭, ૧૦ અને ૧૨ રાશિના સ્વામીઓ તે ગ્રહના શત્રુ બને છે.

૪. જ્યારે કોઈ ગ્રહ બે રાશિનું સ્વામીત્વ ધરાવવાને લીધે મિત્ર અને શત્રુ બંનેમાં સ્થાન પામે ત્યારે તે ગ્રહ સમ બને છે.

હવે આપણે સૂર્યનું ઉદાહરણ લઈએ.

૧. સૂર્યની ઉચ્ચ રાશિ મેષ છે - સ્વામી મંગળ

૨. સૂર્યની મૂળત્રિકોણ રાશિ સિંહ છે.

સિંહથી બારમી રાશિ કર્ક - સ્વામી ચન્દ્ર
સિંહથી બીજી રાશિ કન્યા - સ્વામી બુધ
સિંહથી ચોથી રાશિ વૃશ્ચિક - સ્વામી મંગળ
સિંહથી પાંચમી રાશિ ધનુ - સ્વામી ગુરુ
સિંહથી આઠમી રાશિ મીન - સ્વામી ગુરુ
સિંહથી નવમી રાશિ મેષ - સ્વામી મંગળ

આમ, સૂર્યના મિત્ર ગ્રહો ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ બનશે.

૩. હવે સિંહ રાશિથી બાકીની રાશિઓ જોઈએ.

સિંહથી પ્રથમ રાશિ સિંહ - સૂર્યની સ્વરાશિ
સિંહથી તૃતીય રાશિ તુલા - સ્વામી શુક્ર
સિંહથી છઠ્ઠી રાશિ મકર - સ્વામી શનિ
સિંહથી સાતમી રાશિ કુંભ - સ્વામી શનિ
સિંહથી દસમી રાશિ વૃષભ - સ્વામી શુક્ર
સિંહથી અગિયારમી રાશિ મિથુન - સ્વામી બુધ

આમ, સૂર્યના શત્રુ ગ્રહો બુધ, શુક્ર, શનિ બનશે.

૪. બુધનો સમાવેશ મિત્ર અને શત્રુ બંનેમાં થતો હોવાથી બુધ સમ ગ્રહ બનશે.

આ રીતે ગણતરી કરીને દરેક ગ્રહના મિત્ર, શત્રુ અને સમ ગ્રહો શોધી શકાશે. ગ્રહોના મિત્ર, શત્રુ અને સમ ગ્રહો નીચે મુજબ છે.

નૈસર્ગિક મિત્ર, શત્રુ અને સમ ગ્રહો

૧. સૂર્ય - ચન્દ્ર, મંગળ અને ગુરુ મિત્ર; શુક્ર અને શનિ શત્રુ; બુધ સમ ગ્રહ
૨. ચન્દ્ર - સૂર્ય અને બુધ મિત્ર; મંગળ, ગુરુ, શુક્ર અને શનિ સમ ગ્રહો
૩. મંગળ - સૂર્ય, ચન્દ્ર અને ગુરુ મિત્ર; બુધ શત્રુ; શુક્ર અને શનિ સમ ગ્રહો
૪. બુધ - સૂર્ય અને શુક્ર મિત્ર; ચન્દ્ર શત્રુ; મંગળ, ગુરુ અને શનિ સમ ગ્રહો
૫. ગુરુ - સૂર્ય, ચન્દ્ર અને મંગળ મિત્ર; શુક્ર અને બુધ શત્રુ; શનિ સમ ગ્રહ
૬. શુક્ર - બુધ અને શનિ મિત્ર; સૂર્ય અને ચન્દ્ર શત્રુ; મંગળ અને ગુરુ સમ ગ્રહો
૭. શનિ - બુધ અને શુક્ર મિત્ર; સૂર્ય, ચન્દ્ર અને મંગળ શત્રુ; ગુરુ સમ ગ્રહ

અહીં એ નોંધવુ જરૂરી છે કે કોઈ ગ્રહ ગુરુને પોતાનો શત્રુ ગ્રહ માનતો નથી.

ગ્રહોના તાત્કાલિક મિત્ર અને શત્રુ

ગ્રહોની નૈસર્ગિક મૈત્રી ઉપરાંત ગ્રહ મૈત્રીનો બીજો પ્રકાર તાત્કાલિક મૈત્રીનો છે. કુંડળીમાં ગ્રહોના સ્થાનના આધારે ગ્રહો પરસ્પર એકબીજાના તાત્કાલિક મિત્ર કે તાત્કાલિક શત્રુ બને છે. તાત્કાલિક મૈત્રીમાં ફક્ત મિત્રતા અને શત્રુતા છે, સમતા નથી. આ તાત્કાલિક મિત્રતા અને શત્રુતા દરેક કુંડળીમાં વિશિષ્ટ હોય છે.

ગ્રહ પોતાના સ્થાનથી બીજા, ત્રીજા, ચોથા, દસમા, અગિયારમા અને બારમા સ્થાનમાં રહેલા ગ્રહોનો તાત્કાલિક મિત્ર બને છે. બીજી રીતે જોઈએ તો દરેક ગ્રહ પોતાના સ્થાનથી આગળના ત્રણ સ્થાન અને પાછળના ત્રણ સ્થાનમાં રહેલા ગ્રહોનો તાત્કાલિક મિત્ર બને છે.

આ સિવાયનાં બાકીનાં સ્થાન એટલે કે ગ્રહથી પહેલાં, પાંચમાં, છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમાં સ્થાનમાં રહેલા ગ્રહો તાત્કાલિક શત્રુ બને છે. ગ્રહથી પહેલાં સ્થાનમાં એટલે કે ગ્રહની સાથે એક જ સ્થાનમાં રહેલો ગ્રહ તે ગ્રહનો તાત્કાલિક શત્રુ બને છે.

પંચધા મૈત્રી

જ્યારે કોઈ ગ્રહ નૈસર્ગિક મિત્ર હોય અને તાત્કાલિક મિત્ર પણ બને ત્યારે તે ગ્રહ અધિમિત્ર કહેવાય છે. દા.ત. કોઈ કુંડળીમાં લગ્નસ્થાનમાં સૂર્ય રહેલો છે અને દ્વિતીયસ્થાનમાં ગુરુ છે. અહીં સૂર્ય અને ગુરુ નૈસર્ગિક મિત્રો હોવા ઉપરાંત તાત્કાલિક મિત્રો પણ બનશે. આથી સૂર્ય અને ગુરુ પરસ્પર અધિમિત્રો કહેવાશે. મિત્રતા બેવડાવાથી ગ્રહ અધિમિત્ર બને છે.

જ્યારે કોઈ ગ્રહ નૈસર્ગિક શત્રુ હોય અને તાત્કાલિક શત્રુ પણ બને ત્યારે તે ગ્રહ અધિશત્રુ કહેવાય છે. દા.ત. લગ્નસ્થાનમાં સૂર્ય અને શનિ સાથે રહેલાં છે. સૂર્ય અને શનિ નૈસર્ગિક શત્રુઓ છે. વળી કુંડળીમાં એક જ સ્થાન સ્થિત હોવાથી તાત્કાલિક શત્રુઓ પણ બને છે. આથી સૂર્ય અને શનિ પરસ્પર અધિશત્રુઓ કહેવાશે. શત્રુતા બેવડાવાથી ગ્રહ અધિશત્રુ બને છે.

જ્યારે કોઈ ગ્રહ નૈસર્ગિક મિત્ર હોય અને તાત્કાલિક શત્રુ બને અથવા નૈસર્ગિક શત્રુ હોય અને તાત્કાલિક મિત્ર બને ત્યારે તે ગ્રહો પરસ્પર સમ બને છે. દા.ત. કુંડળીમાં લગ્નસ્થાન સૂર્ય છે અને પંચમસ્થાનમાં ગુરુ રહેલો છે. અહીં સૂર્ય અને ગુરુ નૈસર્ગિક મિત્રો છે પરંતુ કુંડળીમાં તાત્કાલિક શત્રુઓ બને છે. આથી સૂર્ય અને ગુરુ પરસ્પર સમ ગ્રહો કહેવાશે. મિત્રતા અને શત્રુતાના છેદ ઉડી જવાથી ગ્રહો પરસ્પર સમ બને છે.

જ્યારે કોઈ ગ્રહ નૈસર્ગિક સમ હોય અને તાત્કાલિક મિત્ર બને તો એ ગ્રહ મિત્ર કહેવાશે. આનાથી ઉલટું કોઈ ગ્રહ નૈસર્ગિક સમ હોય અને તાત્કાલિક શત્રુ બને તો એ ગ્રહ શત્રુ કહેવાશે. ટૂંકમાં જોઈએ તો,

નૈસર્ગિક મિત્ર + તાત્કાલિક મિત્ર = અધિમિત્ર
નૈસર્ગિક શત્રુ + તાત્કાલિક શત્રુ = અધિશત્રુ
નૈસર્ગિક મિત્ર + તાત્કાલિક શત્રુ = સમ
નૈસર્ગિક શત્રુ + તાત્કાલિક મિત્ર = સમ
નૈસર્ગિક સમ + તાત્કાલિક મિત્ર = મિત્ર
નૈસર્ગિક સમ + તાત્કાલિક શત્રુ = શત્રુ

ગ્રહોની વચ્ચે આ રીતે પાંચ પ્રકારે સંબંધો બંધાય છે. તેને પંચધા મૈત્રી કહેવાય છે.

૧. અધિમિત્ર
૨. મિત્ર
૩. સમ
૪. શત્રુ
૫. અધિશત્રુ

ફળકથન કરતી વખતે આ પંચધા મૈત્રી ધ્યાનમાં રાખવી જરૂરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા