જન્મકુંડળીનાં બાર ભાવો

જન્મકુંડળીનો પ્રત્યેક ભાવ જાતકનાં જીવનનાં અલગ-અલગ ક્ષેત્રોને લગતી બાબતો, જીવનમાં પ્રવેશતી અને ભાગ ભજવતી વ્યક્તિઓ અને જીવનકાળ દરમ્યાન પેદા થતી વિવિધ પરિસ્થિતિઓ અને અનુભવો સાથે સંકળાયેલો છે. જન્મકુંડળીના બાર ભાવો સમગ્ર જીવનચક્રનો નિર્દેશ કરે છે. દરેક ભાવ પરથી જોવાતી બાબતો નીચે મુજબ છે.

પ્રથમ ભાવ : પ્રથમ ભાવ એ લગ્નસ્થાન અથવા તનુભાવ પણ કહેવાય છે. આ સ્થાનમાં રહેલી રાશિ જાતકનાં જન્મસમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદિત થઈ રહેલી હોય છે. પ્રથમસ્થાન એ આકાશ અને પૃથ્વીનાં સંપર્કનું સૂચક છે. જન્મકુંડળીમાં આ સૌથી અગત્યનું સ્થાન છે. પ્રથમસ્થાન એ શરૂઆત છે, ઉદ્‌ભવ છે. આ સ્થાનની રાશિ નક્કી થઈ જવાથી સાથે-સાથે કુંડળીનાં બાકીના સ્થાનોની રાશિ પણ નક્કી થઈ જાય છે.

પ્રથમ ભાવ સ્વનો સૂચક છે. આ ભાવ પરથી જાતકનું શારીરિક કદ, આકાર, વર્ણ, બાંધો, દેખાવ, પ્રકૃતિ, વ્યક્તિત્વ, મનોવલણ, બુધ્ધિ, ચારિત્ર્ય, પ્રતિષ્ઠા, આરોગ્ય, જીવનશક્તિ, આયુ, જીવનની શરૂઆત અને સમગ્ર જીવન અંગેની સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રથમ ભાવ શરીરમાં મસ્તક, મગજ અને કપાળનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ સૂર્ય છે.

દ્વિતીય ભાવ : દ્વિતીય ભાવ એ ધનસ્થાન અથવા કુટુંબસ્થાન પણ કહેવાય છે. આ ભાવ ધન, સંપતિ, સમૃધ્ધિ, ધનસંચય, આવકનાં સાધનો, સ્વબળે પ્રાપ્ત કરેલી સંપતિ, કિંમતી અને મૂલ્યવાન અલંકારો, રત્નોનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત દ્વિતીય ભાવથી કુટુંબ, કુટુંબના સભ્યો, વાણી, અવાજ, દ્રષ્ટિ અને આંતરિક ક્ષમતાઓ પણ જોવાય છે. શરીરમાં દ્વિતીય ભાવ ચહેરો, મોંઢુ, જમણી આંખ, દાંત, જીભ, નાક, ગળું, થાઈરોઈડ ગ્રંથિ અને નખનો નિર્દેશ કરે છે. આ ભાવ પરથી જાતકની ખાનપાનની આદતો અને તેને ગમતાં ખોરાક અને સ્વાદ અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. દ્વિતીય સ્થાન મારક સ્થાન પણ છે અને જાતકના મૃત્યુનું કારણ સૂચવે છે. અમુક વિદ્વાનોના મત અનુસાર દ્વિતીય સ્થાન જાતકના શિક્ષણનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ ગુરુ છે.

તૃતીય ભાવ : તૃતીય ભાવ એ ભાતૃસ્થાન, પરાક્ર્મસ્થાન અથવા સહજભાવ પણ કહેવાય છે. આ ભાવ જાતકનાં શૌર્ય, સાહસ, વીરતા, પરાક્ર્મ અને દ્રઢતાનો નિર્દેશ કરે છે. તૃતીયસ્થાન અભિવ્યક્તિનું સ્થાન છે. જેથી કલાકારો, ગાયકો, અભિનેતાઓ, નૃત્યકારો, સંગીતકારો, લેખકો, પત્રકારો અને વાતચીતની કળા સાથે સંકળાયેલું છે. સંદેશાવ્યવહારનું સૂચક છે અને સંદેશા વ્યવહારનાં સાધનો જેવા કે ટપાલ, તાર, પત્રવ્યવહાર સાથે જોડાયેલું છે. નાની યાત્રાઓ, ટૂંકા ગાળાનાં કરારો, લખાણો, દસ્તાવેજોનો નિર્દેશ કરે છે. શરીરમાં હાથ, ખભા, કોણી, કાંડુ અને જમણાં કાન સાથે સંબંધિત છે. જે રીતે હાથ લડાઈ કરીને શરીરનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે તે જ રીતે વાસ્તવિક જીંદગીમાં ભાઈઓ રક્ષણ અને સાથ આપે છે. આથી તૃતીયસ્થાન ભાઈ-બહેનો, ખાસ કરીને નાના ભાઈ-બહેનો અંગેનાં શુભાશુભ ફળનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત પિતરાઈઓ, પાડોશીઓ અને નજીકનાં મિત્રોનું સૂચક છે. ચતુર્થસ્થાનથી બારમું સ્થાન હોવાથી જમીન, મકાન અને વાહન પાછળ થતાં ખર્ચાઓનો નિર્દેશ કરે છે. તૃતીયસ્થાનનો કારક ગ્રહ મંગળ છે.

ચતુર્થ ભાવ : ચતુર્થ ભાવ એ માતૃસ્થાન અથવા સુખસ્થાન પણ કહેવાય છે. ચતુર્થસ્થાન પગ નીચે રહેલું છે. આથી નીચે રહેલી એટલે કે આંતરિક બાબતો અને જમીનનો નિર્દેશ કરે છે. સ્થાવર મિલકત, જમીન, જમીનની અંદરથી પ્રાપ્ત થતી વસ્તુઓ, ખેતરો, ઉદ્યાન, ગોચર, મકાન, વાહન, ચાર પગવાળાં પ્રાણીઓ, ખાણ, કૂવાઓ, પાણી, નદી, તળાવ અંગેની જાણકારી આપે છે. આંતરિક બાબતો અને ખાનગી જીવનનો નિર્દેશ કરે છે. માતા, પૃથ્વીમાતા, માતૃત્વ, વતન, ઘર, ઘરનું વાતાવરણ, શિક્ષણ, પૈતૃક સંપતિ, અંતઃકરણ, સુખાકારી, આંતરિક લાગણીઓ અને માનસિક સ્થિતિ અંગેનાં શુભાશુભ ફળનો નિર્દેશ છે. શરીરમાં છાતી, ફેફ્સા અને હ્રદય સાથે સંબંધિત છે. ચતુર્થસ્થાનનો કારક ગ્રહ ચન્દ્ર છે.

પંચમ ભાવ : પંચમ ભાવ એ પુત્રસ્થાન અથવા વિદ્યાસ્થાન પણ કહેવાય છે. સંતાન, સંતાન સાથેનાં સંબંધો અને સંતાનની સુખાકારીનો નિર્દેશ કરે છે. બુધ્ધિ, અભ્યાસ, યાદશક્તિ, પ્રતિભા, આવડતો, સર્જનાત્મકતા અને લખાણો સાથે સંબંધિત ભાવ છે. પંચમ ભાવ શૈક્ષણિક સંસ્થાઓ, અધ્યયન, અધ્યાપન, પુસ્તકાલયો અને લેખકો સાથે સંકળાયેલો છે. સગાઈ, પ્રણય કે પ્રણય સંબંધો અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લોટરી, શેર-સટ્ટા, જુગાર અને તેનાથી થનારા લાભહાનિનો સંકેત પ્રાપ્ત થાય છે. રમત-ગમત, મનોરંજન અને આનંદપ્રમોદનો સૂચક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પંચમ ભાવ અગત્યનો ભાવ છે. પવિત્ર ધાર્મિક ગ્રંથો, મંત્ર, તંત્ર, યંત્ર, શિષ્યો, ભક્તિ અને પૂર્વ પુણ્યનો નિર્દેશ કરે છે. ગત જન્મોમાં કરેલાં પુણ્યો આ જન્મમાં પ્રતિભા અને આશીર્વાદ સ્વરૂપે પ્રગટ થાય છે. પંચમ ભાવથી જાતકનાં ઈષ્ટ દેવતા અંગેની અથવા ગત જન્મ તેણે કરેલી ભક્તિ અને સાધનાને લીધે આ જન્મમાં કોઈ ચોક્કસ દેવી-દેવતા પ્રત્યે અનુભવાતા ખેંચાણ અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. શરીરમાં પંચમ ભાવ પેટ, લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય, કિડની, બરોળ અને ગર્ભાવસ્થાનો નિર્દેશ કરે છે. પંચમ ભાવનો કારક ગ્રહ ગુરુ છે.

ષષ્ઠ ભાવ : ષષ્ઠ ભાવ એ શત્રુસ્થાન અથવા રોગસ્થાન પણ કહેવાય છે. આ સ્થાન રોગ, શત્રુ, ઋણ, નોકરી, નોકરચાકરો, કર્મચારીઓ, પરિચર્યા, દૈનિક કાર્યો, મામા, મોસાળપક્ષ, પાલતુ પ્રાણીઓ, ભાડૂત, ચોર, સ્પર્ધાત્મકતા, સહકર્મચારીઓ, કોર્ટકચેરીના દાવાઓ, તીવ્ર શારીરિક-માનસિક વેદના, બ્રહ્મચર્ય, જઠરાગ્નિ અને પાચનતંત્ર અને આંતરડાનો નિર્દેશ કરે છે. ડોક્ટરો, વકિલો અને પોલીસ સાથે સંકળાયેલો ભાવ છે. ષષ્ઠ ભાવ એ મૂશ્કેલીઓ, વિઘ્નો અને કઠોર પરિશ્રમનો સૂચક છે. સાથે-સાથે મૂશ્કેલીઓ અને વિઘ્નોમાંથી બહાર આવવાની તેમજ શત્રુઓ પર વિજય મેળવવાની શક્તિનો પણ સૂચક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ષષ્ઠ ભાવ નિઃસ્વાર્થ સેવાનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ મંગળ છે.

સપ્તમ સ્થાન : સપ્તમ સ્થાન એ કલત્રસ્થાન પણ કહેવાય છે. કલત્ર એટલે કે પત્ની. આ સ્થાન લગ્ન, જીવનસાથી, દાંમ્પત્યસુખ, ભાગીદારી, કામેચ્છા અને જાતીય જીવનનો નિર્દેશ કરે છે. સપ્તમસ્થાન એ પ્રથમસ્થાનથી બિલકુલ વિરુધ્ધ છે. પ્રથમસ્થાનથી વિરુધ્ધ છે એટલે વિજાતીય પાત્રનો નિર્દેશ કરે છે. પ્રથમસ્થાન એ સ્વ છે તો સપ્તમસ્થાન એ સ્વને પરિપૂર્ણ કરનાર વ્યક્તિ છે. સપ્તમસ્થાન સૂર્યાસ્ત સમયનું સૂચક છે. સૂર્યાસ્ત સમયે વ્યક્તિ પોતાનાં કાર્યો પૂર્ણ કરી ઘરે પરત ફરે છે અને જીવનસાથી સાથે સમય વિતાવે છે. સપ્તમસ્થાનથી વ્યવસાયિક ભાગીદારી, વ્યાપાર, વાણિજ્ય, જાહેર સામાજીક જીવન, પરદેશ સાથેનાં વ્યાપાર અંગેની બાબતો અને પરદેશની મુસાફરીઓ અંગે જાણકારી પ્રાપ્ત થાય છે. શરીરમાં નાભિથી નીચેનો ભાગ, મોટું આંતરડું અને આંતરિક જનનાંગોનો નિર્દેશ કરે છે. સપ્તમસ્થાન એ મારક સ્થાન પણ છે અને તે મૃત્યુના ભયનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ શુક્ર છે.

અષ્ટમ ભાવ : અષ્ટમ ભાવ એ આયુષ્યસ્થાન અથવા મૃત્યુસ્થાન પણ કહેવાય છે. આ ભાવ આયુષ્ય અને મૃત્યુનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત વારસો, વસિયત, વીમો, પેન્શન, ગ્રેચ્યુઈટી, ગુપ્ત ધન, અણકમાયેલું ધન, જીવનસાથીનું ધન, ભાગીદારની સંપતિ, શ્વસુરપક્ષ, મૂશ્કેલીઓ, અવરોધો, પીડા, સંઘર્ષ, બદનામી, વિલંબ, નિરાશા, હાર, ખોટ, લાંબી બિમારીઓ, વ્યસનો, જાતીય શક્તિ અને બાહ્ય જનનાંગોનો નિર્દેશ કરે છે. અષ્ટમ સ્થાન એ કાર્મિક સ્થાન છે અને મૂશ્કેલીઓ અને અવરોધો સર્જનાર ભાવ છે. દુન્યવી દ્રષ્ટિએ આ ભાવ નકારાત્મક છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ભાવ સકારાત્મક છે. જીંદગીની ગુપ્ત, અજાણી અને રહસ્યમય બાબતો સાથે સંબંધિત છે. ગૂઢ વિદ્યાઓ, જ્યોતિષ, અધ્યાત્મ, યોગ, કુંડલિની શક્તિનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ શનિ છે.

નવમ ભાવ : નવમ ભાવ એ ભાગ્યસ્થાન અથવા ધર્મસ્થાન પણ કહેવાય છે. આ ભાવ પિતા, ગુરુ, ભાગ્ય, ધાર્મિકતા, આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન, વેદ, નીતિપરાયણતા, મૂલ્યો, શ્રધ્ધા, ડહાપણ, ધાર્મિક માન્યતાઓ, દેવાલયો, હોમ-હવન, દાન, સત્કર્મો, અંતઃપ્રેરણા, જ્ઞાન, દિક્ષા અને ધાર્મિક સ્થળોની યાત્રાનો નિર્દેશ કરે છે. સારું ભાગ્ય એ સારા કર્મો અને ધર્મનાં માર્ગે ચાલવાનું પરિણામ હોય છે. નવમ ભાવ પરદેશમાં ભાગ્ય, પરદેશની મુસાફરીઓ, લાંબી મુસાફરીઓ, અધ્યાપન, ઉચ્ચ અભ્યાસ, પૌત્ર-પૌત્રીઓ, નેતાગીરી, ધન, ઉપરી અધિકારી અને શરીરમાં જાંઘનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ ગુરુ છે.

દસમ ભાવ : દસમ ભાવને કર્મસ્થાન પણ કહેવાય છે. દસમસ્થાન એ મધ્યાહ્ન સમયનું સૂચક છે. આ એ સમય છે જ્યારે વ્યક્તિ પૂર્ણ પ્રકાશને લીધે સૌથી વધુ સક્રિય હોય છે. દસમસ્થાન એ કર્મ, વ્યવસાય, વ્યાપાર, કારકિર્દી, આજીવિકાનો સ્ત્રોત, ભૌતિક પ્રવૃતિઓ, પ્રમોશન, નિયુક્તિ, દરજ્જો, કિર્તી, માન-સન્માન, ગૌરવ, સફળતા, પુરસ્કારો, મહાત્વાકાંક્ષા, ધ્યેય, પ્રગતિ, સત્તા, સરકાર, સરકાર સાથે લેણદેણ, ઉચ્ચ હોદ્દાઓ અને શરીરમાં ગોઠણનો નિર્દેશ કરે છે. મધ્યાહ્ન સમયે સૂર્યપ્રકાશમાં બધું જ દ્રષ્ટ અને સ્પષ્ટ દેખાય છે. આથી ચતુર્થસ્થાનથી વિરુધ્ધ દસમસ્થાન એ બાહ્ય જીંદગી અને જાહેર જીવનનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ બુધ છે.

એકાદશ ભાવ : એકાદશ ભાવ એ લાભસ્થાન પણ કહેવાય છે. આ ભાવ દરેક પ્રકારના લાભ, વ્યવસાયમાં થતી આવક, નફો, સમૃધ્ધિ, મિત્રો, મોટાં ભાઈ-બહેનો, દૂરનાં સગાં-સંબંધીઓ, સંતાનના જીવનસાથી, સમાજ, સમુદાય, ઈચ્છાઓ, મનોકામનાઓ અને તેની પૂર્તિ, જવાબદારીઓમાં સફળતા અને શરીરમાં ગોઠણથી નીચેનો પગ, ઘૂંટી તેમજ ડાબા કાનનો નિર્દેશ કરે છે. એકાદશનો ભાવનો કારક ગુરુ છે.

દ્વાદશ ભાવ : દ્વાદશ ભાવ એ વ્યયસ્થાન અથવા મોક્ષસ્થાન પણ કહેવાય છે. આ ભાવથી વ્યય, હાનિ, ઉડાઉ ખર્ચ, દાન-ધર્માદાઓ, અનાસક્તિ, ત્યાગ, કુટુંબથી વિખૂટાંપણું, પીડા, દુર્ભાગ્ય, ગરીબી, અજાણ્યું અને દૂરનું સ્થળ, પરદેશ, પરદેશમાં જીંદગી, પરદેશની મુસાફરી, આયાત-નિકાસ, ગુપ્ત શત્રુઓ, બંધન, એકાંત, સજા, જેલવાસ, હોસ્પિટલમાં દાખલ થવું, શયનસુખ, નિદ્રા, ધ્યાન, મોક્ષ અને મૃત્યુ પછીની સ્થિતિ જોવાય છે. દ્વાદશ ભાવ એ સ્વને ભૂલી અને ઓગાળીને બ્રહમાંડ સાથેની વિલિનતાનો સંકેત કરે છે. સ્વને નિષેધાત્મક રીતે નશામાં ભાન ભૂલીને પણ ઓગાળી શકાય. આથી દ્વાદશ ભાવ વ્યસનો અને બંધાણો પણ સૂચવે છે. નવમસ્થાનથી ચતુર્થસ્થાન હોવાથી ગુરુનું ઘર એટલે કે આશ્રમનો નિર્દેશ કરે છે. શરીરમાં પગના પંજા અને ડાબી આંખનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ શનિ છે.

ટિપ્પણીઓ

Kaushik Hore એ કહ્યું…
Hi...It would be nice if you have English blog also here.
Devaljoshi.com એ કહ્યું…
Parivartan yog ane tena prakar vishe mahiti aapva vinanti...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા