જન્મકુંડળી અને જન્મલગ્ન

જન્મકુંડળી એ જાતકનાં જન્મ દિવસ અને સ્થળના સંદર્ભે જન્મ સમય વખતે આકાશની ગ્રહસ્થિતિ દર્શાવતો નક્શો છે.


પૃથ્વીનાં સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાને લીધે રાશિઓની રચના થઈ છે. જ્યારે પૃથ્વીનાં પોતાની ધરી પરનાં ભ્રમણને લીધે ભાવ રચાયા છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ભ્રમણ કરે છે. આથી પૃથ્વી પરથી જોનારને આકાશમાં પૂર્વ દિશામાં રાશિઓ ઉદિત થતી અને પશ્ચિમ દિશામાં અસ્ત થઈ જતી દેખાય છે. જાતકનાં જન્મ સમયની ક્ષણે કોઈ એક રાશિ પૂર્વ દિશામાં ઉદિત થઈ રહી હશે. જન્મ સમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદય પામી રહેલી રાશિ જાતકનું જન્મલગ્ન કહેવાય છે. આ રાશિનો અંક જાતકની કુંડળીનાં સૌથી ઉપર રહેલાં ચતુષ્કોણમાં દર્શાવવામાં આવે છે. તેને જન્મલગ્ન અથવા પ્રથમ ભાવ કહેવાય છે. જન્મકુંડળીમાં ભાવને ડાબી બાજુએથી ઘડિયાળનાં કાંટાથી વિરુધ્ધ દિશામાં ગણવામાં આવે છે. પ્રથમ ભાવના ચતુષ્કોણની ડાબી બાજુએ રહેલો ત્રિકોણ કુંડળીનો દ્વિતીય ભાવ બને છે. જ્યાં જાતકનાં જન્મ બાદ હવે પછી ઉદિત થનારી રાશિનો અંક દર્શાવવામાં આવે છે. આ રીતે એક પછી એક ઉદિત થનારી ૧૨ રાશિઓથી કુંડળીનાં ૧૨ ભાવોની રચના થાય છે. ભાવોને સ્થાન કે ભુવન તરીકે પણ ઓળખવામાં આવે છે.

જન્મકુંડળીમાં ભાવ નિશ્ચિત હોવાથી તેમને કોઈ કાયમી સ્થાનદર્શક અંક આપવામાં આવતો નથી. જન્મકુંડળીમાં દર્શાવેલાં અંકો રાશિનું સૂચન કરે છે. જન્મલગ્નની રાશિનો અંક હંમેશા પ્રથમ સ્થાનમાં દર્શાવવામાં આવે છે. દા.ત. ૧ લખેલ હોય તો મેષ લગ્ન, ૨ લખેલ હોય તો વૃષભ લગ્ન વગેરે. સૂર્ય, ચન્દ્ર વગેરે ગ્રહો આકાશમાં જે રાશિમાં રહેલાં હોય તે રાશિ અંક દર્શાવતાં ભાવમાં નામ લખીને મૂકવામાં આવે છે.

જન્મકુંડળીનું નિરિક્ષણ કરીએ તો પ્રથમ ભાવ એ જાતકનાં જન્મ સમયે આકાશમાં પૂર્વ ક્ષિતિજની સ્થિતિ દર્શાવે છે. તેનાંથી બરાબર વિરુધ્ધ દિશા એટલે કે સપ્તમ સ્થાન એ પશ્ચિમ દિશાની સ્થિતિ દર્શાવે છે. દસમ સ્થાન એ મસ્તક પરનું આકાશ અને દક્ષિણ દિશાનું સૂચક છે. જ્યારે ચતુર્થ સ્થાન પગ નીચે રહેલું છે અને ઉત્તર દિશાનું સૂચન કરે છે.

૨૪ કલાકની અંદર કોઈ પણ સ્થળે પૂર્વ દિશાએ એક પછી એક ૧૨ રાશિઓ ઉદિત થતી જાય છે. ૧૨ રાશિઓ હોવાથી સરેરાશ દર બે કલાકે (૨૪/૧૨) જન્મલગ્નની રાશિ બદલાતી રહે છે. જો જાતકનો જન્મ સૂર્યોદય સમયે હશે તો સૂર્ય પ્રથમ ભાવમાં, મધ્યાહ્ને જન્મ હશે તો દસમ ભાવમાં, સૂર્યાસ્ત સમયે સપ્તમ સ્થાનમાં અને મધ્ય રાત્રિએ જન્મ હશે તો સૂર્ય ચતુર્થ સ્થાન સ્થિત હશે. આ રીતે સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી સૂર્ય ૧, ૧૨, ૧૧ અને ૧૦ ભાવમાં, મધ્યાહ્નથી લઈને સૂર્યાસ્ત સુધી ૧૦, ૯, ૮, અને ૭ ભાવમાં, સૂર્યાસ્તથી લઈને મધ્ય રાત્રિ સુધી સૂર્ય ૭, ૬, ૫ અને ૪ ભાવમાં અને મધ્ય રાત્રિથી સૂર્યોદય સુધી સૂર્ય ૪, ૩, ૨, અને ૧ ભાવમાં સ્થિત હશે.

જાતકનો જન્મસમય જાણવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ ક્યાં હશે તેની મૌખિક ગણતરી કરીને અંદાજ લગાવી શકાય. સૂર્યની રાશિ પરથી ગણતરી કરીને જન્મલગ્નનો અંદાજ પણ લગાવી શકાય. દા.ત. જાતકના જન્મસમયે સૂર્ય મેષ રાશિમાં રહેલો હોય અને સૂર્યોદય સમયે જન્મ હોય તો જાતકનું મેષ લગ્ન હશે. જો સૂર્યોદય પછી બે કલાકે જન્મ થયો હોય તો સૂર્ય ૧૨માં ભાવમાં રહેલો હશે અને જન્મલગ્ન વૃષભ હશે. આ રીતે અન્ય ગ્રહોને પણ તેમનાં રાશિ વિભાગમાં ગોઠવીને સંપૂર્ણ કુંડળી મૌખિક ગણતરી કરીને બનાવી શકાય છે. જો કે આ અત્યંત સાદી રીત છે પરંતુ આ રીતે ગણતરી કરવાનો મહાવરો કરવો જરૂરી છે. જેથી ફળાદેશમાં કુશળતા પ્રાપ્ત કરી શકાય.

જન્મકુંડળીનાં દરેક ભાવમાં રહેલી રાશિનાં સ્વામીઓ જે-તે ભાવના સ્વામી કહેવાય છે. દા.ત. પ્રથમસ્થાનમાં મિથુન રાશિ રહેલી હોય તો પ્રથમસ્થાનનો સ્વામી બુધ કહેવાશે. દ્વિતીયસ્થાનમાં કર્ક રાશિ આવવાથી દ્વિતીયસ્થાનનો સ્વામી ચન્દ્ર થશે. આ રીતે કુંડળીનાં બાર ભાવોનાં સ્વામી/અધિપતિ/માલિક નક્કી થશે. આ ઉપરાંત કુંડળીનાં દરેક ભાવને તેમનાં કારક ગ્રહો હોય છે.

જન્મકુંડળીનાં ૧૨ ભાવો જાતકનાં જીવનનાં વિવિધ અનુભવો અને ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ ભાવ એ જીવનની શરૂઆતનો સૂચક છે, જીવનરૂપી બીજનું અંકુરણ દર્શાવે છે. ત્યાંથી લઈને ૧૨મો ભાવ અંતનો સૂચક છે, વિસર્જન દર્શાવે છે. જ્યાંથી આવ્યાં હતાં ત્યાં પરત ફરવાનો સૂચક છે. આમ કુંડળીનાં બાર ભાવો સમગ્ર જીવનચક્રને દર્શાવે છે.

જન્મકુડળીનાં ૧૨ ભાવોનાં નામ આ મુજબ છે. ૧. તનુસ્થાન, ૨. ધનસ્થાન, ૩. ભાતૃસ્થાન, ૪. માતૃસ્થાન અથવા સુખસ્થાન, ૫. પુત્રસ્થાન, ૬. શત્રુસ્થાન, ૭. કલત્રસ્થાન, ૮. આયુસ્થાન અથવા મૃત્યુસ્થાન, ૯. ભાગ્યસ્થાન અથવા ધર્મસ્થાન, ૧૦. કર્મસ્થાન, ૧૧. લાભસ્થાન, ૧૨. વ્યયસ્થાન.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
ખુબ જ સરસ માહિતી છે.... મૂળ ત્રિકોણ એટલે શું... સમજાવવા વિનંતી છે

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા