કેતુ

કુંડળીમાં કેતુની સ્થિતિ એ બાબતો કે ક્ષેત્રોનો નિર્દેશ કરે છે કે જે બાબતો અને ક્ષેત્રોનો ગત જન્મમાં વધુ પડતો ભોગ અથવા અનુભવ કરવામાં આવ્યો છે. આથી આ જન્મમાં તે બાબતો પ્રત્યે કોઈ ઝંખના કે આકર્ષણ હોતું નથી. કુંડળીમાં કેતુની સ્થિતિ પરથી કઈ બાબતો માટે અનાસક્તિ કેળવવી જરૂરી છે તેનો સંકેત મળે છે. પરંતુ આ અનાસક્તિ કેળવવા માટે પહેલાં કેતુ દ્વારા જરૂરી પીડા, અભાવ, અસંતોષ અને વિખૂટાંપણું આપવામાં આવે છે. અંતે જાતક તે બાબતો પ્રત્યે સાક્ષીભાવ કેળવી લે છે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે.

કેતુની પ્રકૃતિ રાહુ કરતાં પૂર્ણતઃ વિરોધી છે. કેતુ અંતર્મુખી, શરમાળ અને રહસ્યમય ગ્રહ છે. તેની મૂળ પ્રકૃતિ નિયંત્રિત કરવાની કે અવરોધવાની છે. જે પણ ગ્રહ સાથે યુતિ કરે તે ગ્રહના કારકત્વને અને જે ભાવ સ્થિત હોય તે ભાવને લગતી બાબતોને નિયંત્રિત કરે છે, અવરોધે છે, સંકોચી નાખે છે અથવા તે બાબતો પ્રત્યે જાતક અસામાન્ય કે અપરંપરાગત વલણ ધરાવે છે. કેતુનાં અવરોધો ક્યાં પ્રકારના છે અને શાં કારણે છે તે તેની રહસ્યમય પ્રકૃતિને લીધે જાણવું મૂશ્કેલ થઈ પડે છે.

કેતુ એ સંકોચવાદી ગ્રહ છે. મસ્તકથી અલગ થયેલું ધડ છે. પોતાનાં મસ્તકને જોઈ શકે છે, તેનાં વગર અધૂરાપણું અનુભવે છે. પરંતુ મસ્તકને પામી શકતું નથી. કેતુ જે ભાવ સ્થિત હોય તે ભાવને લગતી બાબતો મૃગજળ સમાન બની જાય છે. તે બાબતો અંગે તૃષા રહે છે. પરંતુ તેની પ્રાપ્તિ થતી નથી. અંતે કેતુ એ પરિસ્થિતિ સ્વીકારી લે છે અને તેને બદલવાની કોશિશ કરતો નથી, અનાસક્તિ કેળવી લે છે. કેતુ પાસે મસ્તક નથી પરંતુ હ્રદય છે. ઉચ્ચ સ્તરે તે પોતાનાં હ્રદયમાંથી સ્ફૂરતી અંતઃપ્રેરણાને આધારે ચાલે છે. નીચલા સ્તરે તે અવિચારી અને જડ છે.

આધ્યાત્મિક દ્રષ્ટિએ કેતુ એ મહત્વનો ગ્રહ છે. પુરાણોમાં તેની કલ્પના નાગ તરીકે કરવામાં આવી છે. નાગ એ મૂલાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિનું પ્રતીક છે. કેતુની કૃપા વગર કુંડલિની જાગૃત થવી શક્ય નથી. યોગીઓ, તપસ્વીઓ, સંન્યાસીઓ અને વિશિષ્ટ માનસિક શક્તિઓ ધરાવનારાઓની કુંડળીમાં કેતુ મહત્વનો ભાગ ભજવતો જોવા મળે છે. વેદાંગનો સૂચક ગ્રહ છે. ગત જન્મથી કે પરંપરાથી મળતાં જ્ઞાનનો કારક છે.

માતામહ, મોક્ષ, અનાસક્તિ, આધ્યાત્મિકતા, રહસ્યમયતા, જ્ઞાન, ત્યાગ, વિરક્તિ, એકાંત, ગૂઢ જ્ઞાન, જ્યોતિષ, અસામાન્ય ઘટના કે વલણનો કારક છે. આ ઉપરાંત માનહાનિ, વિચ્છેદ, છળ, શંકા, ભ્રષ્ટાચાર, અવરોધો, વીજળી, વિકલાંગતા, તોતડાપણું, ઊંચાઈ પરથી નીચે પડવું, ધુમાડો, સર્પ ડંખ, ઝેર, આતંક અને રોગચાળાનો કારક ગ્રહ છે.

કેતુ વાત પ્રકૃતિ ધરાવતો તામસિક ગ્રહ છે. દેવતા શ્રી ગણેશ છે. વર્ણસંકર જાતિનો ગ્રહ છે. સર્વદિશાઓનો સ્વામી છે. તેનું રત્ન વૈડુર્યમણિ (લસણિયું) અને ધાતુ કાંસુ છે. કેતુ મંગળ સમાન ફળ આપતો હોવાથી મંગળની એક રાશિ વૃશ્ચિકનું સ્વામીત્વ તેને આપવામાં આવ્યું છે. ઉચ્ચ રાશિ વૃશ્ચિક અને નીચ રાશિ વૃષભ છે. મૂળત્રિકોણ રાશિ ધનુ છે. અન્ય મત મુજબ કેતુની સ્વરાશિ મીન છે. ઉચ્ચ રાશિ ધનુ અને નીચ રાશિ મિથુન છે. મૂળત્રિકોણ રાશિ સિંહ છે. સામાન્ય રીતે ગુરુ અને મંગળની રાશિઓમાં કેતુ શુભ ફળ આપે છે. મંગળ, શુક્ર અને શનિ તેના મિત્ર ગ્રહો છે. સૂર્ય અને ચન્દ્ર શત્રુ ગ્રહો છે. બુધ અને ગુરુ સમ ગ્રહો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર