રાહુ

રાહુ એ ગત જન્મમાં અચેતન મનમાં રહેલી ઈચ્છા, વાસના, અસંતોષ, ભય, ઘેલછા, મહાત્વાકાંક્ષા, અધૂરી કે અનિર્ણીત રહી ગયેલી બાબતોનો નિર્દેશ કરે છે. જે પછીથી આ જન્મમાં અનુભવવી પડે છે. આમ રાહુ એ પૃથ્વી પર આપણો જન્મ થવા પાછળનું કારણ હોય છે. રાહુ જે રાશિ અને ભાવ સ્થિત હોય તે ભાવને લગતી બાબતો પ્રત્યે જાતક વધુ પડતો સંવેદનશીલ હોય છે અને લાગણીઓને કાબુમાં રાખી શકતો નથી. રાહુ જે ભાવ સ્થિત હોય તે ભાવને સંબંધિત બાબતો અંગે જાતક માનસિક અસ્વસ્થતા અનુભવે છે. તે બાબતોને અનુભવવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. પરંતુ સાથે-સાથે તે અનુભવતાં તેને ડર લાગતો હોય છે અને તે બાબતોને લઈને અધૂરપ અને અસંતોષ ધરાવતો હોય છે.

રાહુ એ બહિર્મુખી અને આગ્રહી ગ્રહ છે. જે પણ ગ્રહ સાથે યુતિ કરે તે ગ્રહના કારકત્વ પ્રત્યે જાતક અદમ્ય આકર્ષણ અનુભવે છે. કોઈ પણ ગ્રહ પર રાહુનો પ્રભાવ તે ગ્રહના કારકત્વને તીવ્ર કરી દે છે, વિસ્તારી દે છે. ગ્રહોની મૂળ પ્રકૃતિમાં તીવ્રતા આવવાની સાથે ક્યારેક વિકૃતિ પણ આવી જાય છે. દા.ત. સૂર્ય એ મહાત્વાકાંક્ષા, સ્વમાન અને ગર્વનો કારક છે. જ્યારે સૂર્ય સાથે રાહુ યુતિ કરે ત્યારે તે અતિ મહાત્વાકાંક્ષા, અહંકાર અને મિથ્યાભિમાન સૂચવે છે. આવા જાતકોની મહાત્વાકાંક્ષાઓનો કોઈ અંત હોતો નથી. આમ પણ રાહુ-કેતુ સૂર્ય અને ચન્દ્ર સાથે શત્રુતા ધરાવે છે. તેમાં પણ ખાસ કરીને સૂર્ય સાથે રાહુની યુતિ તીવ્ર કાર્મિક મૂશ્કેલીઓનું સૂચન કરે છે.

રાહુ એ ભોગ છે, માયા છે. દુનિયાદારીનો કારક ગ્રહ છે. કુંડળીમાં રહેલો દાનવ ગ્રહ છે. મોહિનીને છેતરવા માટે તેણે દેવનું રૂપ ધારણ કરી લીધું હતું. આમ છળકપટ, યોજનાઓ અને કાવતરાઓ ઘડવામાં કુશળ એવો પાખંડી ગ્રહ છે. તે ભૌતિકવાદી અને સ્વાર્થી ગ્રહ છે. અપરંપરાગત, ગેરકાનૂની, વિદેશી, સામાજીક નિયમોને નહિ ગણકારતા અથવા અનુસરતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુ બુધ્ધિશાળી ગ્રહ છે પણ સાથે-સાથે ભય અને ભ્રમણાઓ પેદા કરે છે.

રાહુ ઝડપી, અચાનક અને અણધાર્યા પરિણામો આપે છે, આઘાત આપે છે. પિતામહ, પરદેશગમન, શોક, શંકા, અપકીર્તિ, ભ્રમણા, ભય, છેતરપીંડી, વિશ્વાસઘાત, ચોરી, અભિચાર, મ્લેચ્છ, જેલ, અપમૃત્યુ, વિદેશી વસ્તુ/વ્યક્તિ/ભાષા, વ્યસનો, જવજંતુઓનાં ડંખ, કેન્સરનો કારક ગ્રહ છે. આ ઉપરાંત વિજ્ઞાન, સંશોધન, ટેકનોલોજી અને ગૂઢ બાબતોનો કારક છે.

રાહુ વાત પ્રકૃતિ ધરાવતો તામસિક ગ્રહ છે. તેની દેવી દુર્ગા છે. નૈઋત્ય કોણનો સ્વામી છે. રત્ન ગોમેદ છે. શનિની માફક નીચી દ્રષ્ટિ ધરાવે છે. રાહુ-કેતુના રાશિ સ્વામીત્વ બાબતે મતમતાંતરો રહેલાં છે. રાહુ શનિના જેવું ફળ આપતો હોવાને લીધે શનિની એક રાશિ કુંભનું સ્વામીત્વ તેને આપવામાં આવ્યું છે. ઉચ્ચ રાશિ વૃષભ છે અને નીચ રાશિ વૃશ્ચિક છે. મૂળત્રિકોણ રાશિ મિથુન છે. અન્ય મત મુજબ રાહુની સ્વરાશિ કન્યા છે. ઉચ્ચ રાશિ મિથુન છે અને નીચ રાશિ ધનુ છે. મૂળત્રિકોણ રાશિ કુંભ છે. સામાન્ય રીતે શુક્ર અને બુધની રાશિઓમાં રાહુ સારું ફળ આપે છે. બુધ, શનિ અને શુક્ર તેના મિત્ર ગ્રહો છે. ગુરુ સમ ગ્રહ છે. સૂર્ય, ચન્દ્ર અને મંગળ શત્રુ ગ્રહો છે.

ટિપ્પણીઓ

Arvindbhai Shah એ કહ્યું…
રાહુ નુ દરેક સ્થાન માં શુ ફળ મળે તે જણાવવા વિનંતી.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર