શનિ

શનિ એ નવ ગ્રહોમાં બાહ્યતમ ગ્રહ છે. પૃથ્વીથી ૮૮ કરોડ ૬૧ લાખ માઈલ દૂર છે. ગુરુ કરતાં કદમાં નાનો છે. તેનો વ્યાસ આશરે ૭૫૦૦૦ માઈલ છે.

શનિ નામ એ શનૈશ્ચર પરથી આવેલું છે. સંસ્કૃતમાં શનૈઃ શનૈ એટલે કે ધીરે-ધીરે અને શનૈશ્ચર એટલે કે ધીરેથી ચાલનારો. શનિ એ મંદ તરીકે પણ ઓળખાય છે. બધાં ગ્રહોમાં શનિ એ સૌથી મંદ ગતિથી ચાલનારો ગ્રહ છે. તે એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. રાશિચક્રનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં તેને ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે.

પુરાણો અનુસાર એકવાર શનિના ભાઈ યમે ગુસ્સે થઈને શનિના પગ પર વાર કર્યો હતો અને તેને પગમાં ઈજા પહોંચાડી હતી. ત્યારથી શનિ લંગડાતો ચાલે છે અને તેથી જ તેની ગતિ મંદ છે.

શનિ એ સૂર્ય અને તેની બીજી પત્ની છાયાનો પુત્ર છે. ગોત્ર કશ્યપ છે અને સૌરાષ્ટ્ર દેશનો સ્વામી છે. તેનો વર્ણ શ્યામ છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે સૂર્યદેવ તેને જોઈને નાખુશ થયા હતા. સૂર્યને દુઃખ થયું હતું કે પોતાના જેવો સુંદર અને ચળકતો વર્ણ ધરાવનારનો પુત્ર શ્યામ કઈ રીતે હોય શકે. ત્યારથી જ પિતા અને પુત્ર વચ્ચે શત્રુતાના બીજ રોપાયા. સૂર્ય અને શનિ એકબીજાનાં શત્રુ છે.

એકવાર શનિદેવની પત્ની તેમની પાસે આવી ત્યારે તેઓ શ્રીકૃષ્ણનાં ઊંડા ધ્યાનમાં મગ્ન હતાં. તેમણે પત્નીની સામે જોવાની પણ પરવા ન કરી. આથી તેમની પત્નીએ હતાશ થઈને તેમને શ્રાપ આપ્યો કે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ કોઈની સામે દ્રષ્ટિ કરવા શક્તિમાન નહિ રહે અને તેમની દ્રષ્ટિ હંમેશા નીચી રહેશે. જેની પણ સામે તેઓ દ્રષ્ટિ કરશે તેનો નાશ થશે.

ગણેશજીના જન્મ બાદ જ્યારે નવ ગ્રહો તેમના દર્શન કરવા ગયા ત્યારે શનિએ દ્રષ્ટિ કરવાથી ગણેશજીએ પોતાનું મસ્તક ગુમાવવું પડ્યું હતું.

શનિની પીડા ભોગવવામાંથી કોઈને મુક્તિ મળતી નથી. શ્રીરામ, યુધિષ્ઠિર, હરિશ્ચંદ્ર, રાવણ, વસિષ્ઠ, પરાશર, ઈન્દ્ર અને શ્રીકૃષ્ણને પણ શનિની પીડા ભોગવવી પડી હતી. તો પછી સામાન્ય માનવીની તો શું વિસાત? જો કે સામાન્ય માનવી હનુમાનજીની આરાધના કરીને શનિની પીડામાંથી બચી શકે છે. હનુમાનજીએ શનિને રાવણના સકંજામાંથી છોડાવ્યો હતો. આથી શનિએ હનુમાનજીને વચન આપેલું છે કે તે હનુમાનજીના ભક્તોને ક્યારેય પીડા નહિ પહોંચાડે.

શનિ એ કૃશ, લાંબો, પીળાશ પડતી આંખો, મોટા દાંત અને બરછટ વાળ ધરાવતો પંગુ ગ્રહ છે. નપુંસક જાતિનો પાપગ્રહ છે. પશ્ચિમ દિશાનો અને શિશિર ઋતુનો સ્વામી છે. શૂદ્ર વર્ણનો તામસિક ગ્રહ છે. મલિન જગ્યામાં નિવાસ કરે છે. વાતપ્રકૃતિ અને વાયુતત્વ ધરાવતો ગ્રહ છે. તેનો રંગ કાળો અને સ્વાદ તૂરો છે. ધાન્ય અડદ, રત્ન નીલમ, ધાતુ લોખંડ, સીસું, કલાઈ અને વાર શનિવાર છે. અધિદેવતા બ્રહ્મા છે. શરીરમાં સ્નાયુ (મજ્જા) પર પ્રભુત્વ ધરાવે છે. પશ્ચિમ દિશામાં અને સપ્તમ સ્થાનમાં બળવાન બને છે.

ગ્રહોમાં શનિ એ સેવક છે. દુઃખ, દારિદ્રય, આયુષ્ય, સંતાપ, વિપતિ, કઠોર શ્રમ, સેવકો, જવાબદારી, ધીરજ, સહનશીલતા, ગંભીરતા, વિલંબ, વૃધ્ધાવસ્થા, એકાગ્રતા, દાસત્વ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ધ્યાન, યોગ, ચિંતનનો કારક છે. આ ઉપરાંત તેલ, કોલસો, ખાણ ઉદ્યોગ અને યંત્ર વિદ્યાનો કારક ગ્રહ છે. શરીરમાં શનિ ગોઠણ, પગ, પિત્તાશય અને શ્વસનતંત્ર પર આધિપત્ય ધરાવે છે. સંધિવા, મંદાગ્નિ, સુકતાન, ઉન્માદ અને વાત સાથે સંકળાયેલાં રોગોનો કારક ગ્રહ છે.

શનિ એ કાર્મિક ગ્રહ છે. તે આપણાં પાછલાં જન્મોના કર્મોનો હિસાબ રાખે છે. ખરાબ કર્મોની સજા એ યાતના, વેદના, નિયંત્રણો, પ્રતિકૂળતા અને વિલંબ સ્વરૂપે આપે છે. જો કે એ વેદનામાંથી પસાર થવાથી જાતકની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. સાધનાની શરૂઆત માટે વેદના એ આમંત્રણ પત્ર બની રહે છે. શનિ અહંકારનો નાશ કરે છે. જમીન પર લઈ આવે છે અને જીંદગીની કડવી વાસ્તવિકતાઓનું ભાન કરાવે છે. માનસિક હતાશા, એકલતા અને ઉદાસીનતાનો અનુભવ કરાવે છે. અંતર્મુખી બનાવી આત્મમંથન કરવા પ્રેરે છે. શનિની પીડામાંથી પસાર થઈને જાતક વધુ જવાબદાર, સહનશીલ, મહેનતુ, ધૈર્યવાન અને શિસ્તબધ્ધ બને છે. આત્માનો વિકાસ થાય છે અને ઈશ્વરની વધુ નજીક જવાય છે. કુંડળીમાં જે ભાવો સાથે શનિ સંકળાયેલો હોય તે ભાવોને લગતી બાબતો અંગે જીવન દરમ્યાન સંઘર્ષ અને મૂશ્કેલીઓ રહે છે. શનિને નમ્રતા પસંદ છે. નમ્ર બની રહેવાથી, સારા કર્મો કરવાથી અને સત્યના માર્ગે ચાલવાથી શનિની હેરાનગતિથી બચી શકાય છે.

કુંડળીમાં બળવાન અને શુભ શનિ જાતકને ગંભીર, મહેનતુ, શિસ્તબધ્ધ અને સંયમી બનાવે છે. સત્યનિષ્ઠ, પ્રામાણિક, વફાદાર અને ભરોસાપાત્ર હોય છે. જીંદગીમાં આવનારી મૂશ્કેલીઓને સારી રીતે વેઠવાની ક્ષમતા ધરાવનાર હોય છે. જવાબદારીઓનું ભાન હોય છે. ઉત્તમ વ્યવસ્થાશક્તિ ધરાવે છે.

દૂષિત શનિ ધરાવનાર જાતકો જવાબદારીઓથી દૂર ભાગે છે. સહનશીલતાનો અને કઠોર પરિશ્રમનો અભાવ હોય છે. હંમેશા ફરિયાદો કરતાં રહેવાનો સ્વભાવ ધરાવે છે. જીંદગીમાં આવનારી મૂશ્કેલીઓનો સામનો કરવામાં તક્લીફ અનુભવે છે. અંતે વધુ ને વધુ પીડા અનુભવે છે. વ્યસનો અને લાંબો સમય ચાલનારી બિમારીઓનો ભય રહે છે.

શનિની સ્વરાશિ મકર અને કુંભ છે. ઉચ્ચ રાશિ તુલા અને નીચ રાશિ મેષ છે. તુલા રાશિના ૨૦ અંશ પર પૂર્ણ ઉચ્ચનો અને મેષ રાશિના ૨૦ અંશે પૂર્ણ નીચનો બને છે. કુંભ રાશિના શરૂઆતના ૦ થી ૨૦ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને બાકીના ૧૦ અંશ તેની સ્વરાશિ છે. બુધ, શુક્ર અને રાહુ મિત્ર ગ્રહો છે. ગુરુ સમ ગ્રહ છે. સૂર્ય, ચન્દ્ર અને મંગળ શત્રુ ગ્રહો છે.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…

ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે તું કર્મ કાર ફળ
આપવાનું કામ મારુ છે અને દરેક માણસ પોતાના કર્મના આધારે પોતાનો જન્મ ધારણ કરે છે ને ગ્રહોની યુતિ પણ કર્મના આધારેજ ગોઠવાતી હોય છે.તો પછી ગ્રહ દોષ શાંત કરવાને બદલે સારા કર્મ કરી જન્મ સુધારવો શું બરાબર નથી... શું ગ્રહ નક્ષત્રો,વગેરેની ઉત્પત્તિ પણ ઈશ્વરેજ કરી છે તો તે પણ એક વ્યક્તિ (દૈવી વ્યક્તિ)જ ખરા ને,તો એમની પણ કોઈ કુંડળી તો હશેજ ને જ્યોતિષ ગુરુ દેવ આપે કરેલ કામ ખુબજ સરસ છે પણ આ દુનિયામાં સૌથી પ્રથમ જે શબ્દ ની ઉત્પત્તિ થઈ એ શબદ ની જ આ માયા-જાળ છે અને એજ બ્રહ્મ છે અને એજ શબ્દથી માયા,મહામાયા સત્ય-અસત્ય ,વગેરે રચાયું હોય તો પછી આ જ્યોતિષ માણસને કઈ રીતે ઉગાળી શકે

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો