ગુરુ

ગુરુ એ ગ્રહમંડળનો વિશાળકાય ગ્રહ છે. પૃથ્વીથી ૪૮ કરોડ ૩૩ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ ૮૮,૦૦૦ માઈલ છે.

ગુરુ એ બૃહસ્પતિ, બ્રાહ્મણસ્પતિ અને દેવ-ગુરુ તરીકે પણ ઓળખાય છે. દેવ-ગુરુ એટલે કે દેવોના ગુરુ. પુરાણો અનુસાર ગુરુ એ ઋષિ અંગીરસ અને સુરૂપાના પુત્ર છે. તેમણે તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી દેવોના ગુરુ તરીકે અને નવ ગ્રહોમાંના એક ગ્રહ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેઓ સિંધુ પ્રદેશનાં સ્વામી છે. વર્ણ કંચન સમાન પીળો અને ચતુર્ભુજાઓ ધરાવે છે. હાથમાં શંખ, ચક્ર, ત્રિશૂળ અને ગદા ધારણ કર્યા છે. ગુરુની પત્ની તારા છે. તારાએ ચન્દ્ર સાથેનાં સંબંધથી બુધને જન્મ આપ્યો હતો. ગુરુ બુધને પોતાનો શત્રુ માને છે.

ગુરુ એ પુરુષ/શિવ ઉર્જા છે અને તારા એ સ્ત્રી/શક્તિ ઉર્જા છે. પુરુષ ઉર્જા સ્થિર અને નિષ્ક્રિય છે. જ્યારે સ્ત્રી ઉર્જા સક્રિય અને ગતિશીલ છે. ગુરુ એ જ્ઞાન છે તો તારા એ જ્ઞાનનું પ્રગટીકરણ છે. આ રીતે જોઈએ તો જ્ઞાનના પ્રગટીકરણ/તારા અને મન/ચન્દ્ર દ્વારા બુધ્ધિ/બુધનો જન્મ થયો છે.

ગુરુ એક રાશિમાં આશરે ૧૩ માસ સુધી રહે છે. રાશિચક્રનુ એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લગભગ ૧૨ વર્ષ લાગે છે. ૧૨૨ દિવસ સુધી વક્રી રહે છે.

ગુરુ એ વિશાળ અને ભરાવદાર દેહ, પીળાશ પડતી આંખો અને વર્ણ ધરાવે છે. તે બુધ્ધિશાળી અને શાસ્ત્રોમાં પારંગત છે. પુરુષ જાતિનો અને બધાં ગ્રહોમાં સૌથી શુભગ્રહ છે. ઈશાન કોણનો અને હેમંત ઋતુનો સ્વામી છે. બ્રાહ્મણ વર્ણનો મૃદુ સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. ધનભંડારમાં નિવાસ કરે છે. કફપ્રકૃતિ અને આકાશતત્વ ધરાવે છે. તેનો રંગ પીળો અને સ્વાદ મિષ્ટ છે. ધાન્ય પીળું, રત્ન પોખરાજ, ધાતુ સુવર્ણ અને વાર ગુરુવાર છે. અધિદેવતા ઈન્દ્ર છે. શરીરમાં મેદ પર પ્રભુત્વ ધરાવે છે. પૂર્વ દિશામાં અને પ્રથમ સ્થાનમાં બળવાન બને છે.

ગુરુ એટલે કે જે અજ્ઞાનનાં અંધકારમાંથી જ્ઞાનનાં પ્રકાશ તરફ દોરી જાય. તે જ્ઞાન અને ડહાપણનો ભંડાર છે. સંસ્કાર, ઔદાર્ય અને કરુણા પ્રદાન કરનાર ગ્રહ છે. કુંડળીમાં ગુરુ એ સંતાનનો કારક ગ્રહ છે અને સ્ત્રીની કુંડળીમાં પતિનો કારક છે. આ ઉપરાંત જ્ઞાન, સંપતિ, અભ્યાસ, માન, પ્રતિષ્ઠા, ધર્મ, પૂર્વપૂણ્ય અને વ્યાકરણ વિદ્યાનો કારક ગ્રહ છે. આકાશતત્વ ધરાવતો હોવાથી આકાશની માફક વિશાળ અને વિસ્તારક્ષમ છે. જે ભાવમાં સ્થિત હોય તે કરતાં જે ભાવ પર દ્રષ્ટિ કરતો હોય તે ભાવને વિસ્તારે છે, ત્યાં સફળતા આપે છે. આમ પોતાના માટે નહિ પરંતુ બીજા માટે જીવનારો ગ્રહ છે. કોઈપણ પ્રકારનાં વળતરની અપેક્ષા રાખ્યા વગર આપનારો નિસ્પૃહ ગ્રહ છે. તે ડહાપણ, ન્યાય, સત્યપ્રિયતા, પ્રમાણિકતા અને પરોપકારિતા પ્રદાન કરનાર ગ્રહ છે. ધર્મ, પરંપરા, શાસ્ત્રો અને ગુરુ/શિક્ષક પ્રત્યે પૂજ્યભાવ રાખનારો ગ્રહ છે. શરીરમાં મેદ, લીવર, સ્વાદુપિંડ અને નસો પર આધિપત્ય ધરાવે છે. ડાયાબિટીસ અને મેદવૃધ્ધિનો કારક ગ્રહ છે.

કુંડળીમાં બળવાન બનેલો શુભસ્થાન સ્થિત ગુરુ જાતકને જ્ઞાની, આનંદી, આશાવાદી, નીતિપરાયણ અને માનવતાવાદી બનાવે છે. ધર્મ અને અધ્યાત્મમાં રુચિ ધરાવે છે. ઉચ્ચ નૈતિક મૂલ્યો અને અન્ય પ્રત્યે કરુણાભાવ રાખનાર હોય છે. તેઓ સખાવતી અને ધાર્મિક કાર્યો કરનાર હોય છે. બળવાન અને શુભસ્થાન સ્થિત ગુરુના આશીર્વાદથી કુંડળીનાં અન્ય દોષો દૂર થાય છે. બીજા ગ્રહો પીડા આપતા હોય તો પણ ગુરુના પ્રભાવથી જાતકને મદદ મળી રહે છે અને છેલ્લી ઘડીએ પણ મૂશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે.

કુંડળીમાં દૂષિત થયેલો ગુરુ અપરંપરાગત વલણ ધરાવનાર બનાવે છે. ધર્મ અને ગુરુઓ પ્રત્યે સન્માનનો અભાવ સૂચવે છે અથવા સાચાં ગુરુ મેળવવામાં મૂશ્કેલી રહે છે. જીવનમાં આશા અને શ્રધ્ધાનો અભાવ રહે છે. ઘણીવાર વધુ પડતાં ભૌતિકવાદી વલણને લીધે આધ્યાત્મિક રુચિનો વિકાસ થતો નથી. સંતાનને લગતી ચિંતા રહે છે. સ્ત્રીની કુંડળીમાં લગ્નસંબંધ અથવા પતિના આરોગ્યને લગતી ચિંતાનુ સૂચન કરે છે.

ગુરુની સ્વરાશિ ધનુ અને મીન છે. ઉચ્ચ રાશિ કર્ક અને નીચ રાશિ મકર છે. કર્ક રાશિના ૫ અંશે પૂર્ણ ઉચ્ચનો થાય છે અને મકર રાશિના ૫ અંશે પૂર્ણ નીચનો થાય છે. ધનુ રાશિના શરૂઆતના ૦ થી ૧૦ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને બાકીનાં ૨૦ અંશો સ્વરાશિ છે. સૂર્ય, ચન્દ્ર અને મંગળ તેના મિત્ર ગ્રહો છે. બુધ અને શુક્ર શત્રુ ગ્રહો છે. શનિ સમ ગ્રહ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો