બુધ

બધા ગ્રહોમાં બુધ એ સૂર્યથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. સૂર્યની નજીક હોવાથી સૂર્યના પ્રકાશને લીધે આકાશમાં હંમેશા જોઈ શકાતો નથી. જ્યારે સૂર્યથી દૂર અંતરે રહેલો હોય ત્યારે જ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જોઈ શકાય છે. બુધ પૃથ્વીથી ૩ કરોડ ૫૯ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ લગભગ ૩૨૦૦ માઈલ છે.

બુધનુ ગોત્ર અત્રિ છે અને તે મગધ દેશનો સ્વામી છે. પુરાણો અનુસાર બુધ એ ચન્દ્રનો પુત્ર છે. તેની માતા તારા છે. તારા એ ગુરુની પત્ની છે. ચન્દ્રએ તારાનુ અપહરણ કર્યુ હતું. બાદમાં તારાએ બુધને જન્મ આપ્યો હતો. ચન્દ્ર પિતા હોવાને લીધે બુધ સાથે મિત્રતા ધરાવે છે. પરંતુ બુધ ચન્દ્રના પોતાની માતા સાથેના અનુચિત સંબંધને લીધે તેના પ્રત્યે શત્રુતા ધરાવે છે. ચન્દ્ર એટલે કે મન અને બુધ એટલે બુધ્ધિ. આમ મન દ્વારા બુધ્ધિનો જન્મ થયો છે.

સૂર્યની જેમ બુધ પણ એક રાશિમાં લગભગ એક માસ સુધી રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં ૧૨ માસ લાગે છે. એક વર્ષમાં ૩ થી ૪ વખત વક્રી થાય છે અને લગભગ ૨૪ દિવસ સુધી વક્રી રહે છે.

બુધ આકર્ષક દેખાવ ધરાવતો નપુંસક જાતિનો ગ્રહ છે. શુભગ્રહની સાથે શુભ અને અશુભગ્રહની સાથે અશુભ છે. ઉત્તર દિશાનો અને શરદ ઋતુનો સ્વામી છે. વૈશ્ય વર્ણનો રજોગુણી ગ્રહ છે. ક્રીડા સ્થાનમાં નિવાસ કરે છે. સમપ્રકૃતિ અને પૃથ્વીતત્વ ધરાવે છે. તેનો રંગ લીલો અને સ્વાદ મિશ્ર છે. ધાન્ય મગ, ધાતુ પિત્તળ, કાંસુ, છીપ, રત્ન પન્ના અને વાર બુધવાર છે. અધિદેવતા શ્રી વિષ્ણુ છે. શરીરમાં ચામડી પર પ્રભુત્વ ધરાવે છે. પૂર્વ દિશામાં અને લગ્નસ્થાનમાં બળવાન બને છે.

ગ્રહોમાં બુધ યુવરાજ છે. બુધ યુવાન દેખાવ આપે છે. બુધપ્રધાન જાતકો પોતાની ઉંમરનાં પ્રમાણમાં નાના દેખાય છે. બુધ્ધિ, વાણી અને મામાનો કારક ગ્રહ છે. આ સિવાય સંદેશાવ્યવહાર, વાણિજ્ય, વિદ્યાભ્યાસ, લખાણો, પુસ્તકો, પ્રકાશન, મુદ્રણ, મુસાફરી, જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રનો કારક છે. બુધ સંદેશાવાહક છે. સંદેશા વ્યવહારના સાધનો જેવા કે ટપાલ સેવાઓ, કુરિયર, ટેલિફોન, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે પર આધિપત્ય ધરાવે છે. આપણાં શરીરમાં જ્ઞાનતંતુઓ દ્વારા સંદેશાઓનુ વહન થાય છે. આમ બુધ માનવશરીરમાં જ્ઞાનતંતુઓ પર આધિપત્ય ધરાવે છે. બુધ એ તીવ્ર બુધ્ધિ આપનાર ગ્રહ છે. બુધપ્રધાન જાતકો ઝડપથી કોઈ પણ વિષયને સમજીને ગ્રહણ કરી લે છે. બુધ ગ્રહણશીલ અને અનુકરણ કરનારો ગ્રહ છે. ઉત્તમ પ્રકારની વિનોદ વૃતિ ધરાવે છે. સારી યાદશક્તિ ધરાવે છે. ગણિત અને આંકડાશાસ્ત્રમાં કુશળતા ધરાવે છે. બુધ એ સૌથી અનુકૂલનશીલ ગ્રહ છે. બુધપ્રધાન જાતકો કોઈ પણ પરિસ્થિતિ અને સંજોગોમાં ઝડપથી અનુકૂલન સાધી લે છે. શરીરમાં ચેતાતંત્ર, હાથ અને પગ પર પ્રભુત્વ ધરાવે છે.

કુંડળીમાં દૂષિત થયા વગરનો શુભ સ્થાનમાં રહેલો બુધ જાતકને ભાષાઓ પર પ્રભુત્વ ધરાવનાર બનાવે છે. તેમની વાણી મર્મયુક્ત અને ઘણીવાર દ્વિઅર્થી હોય છે. શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવનારા હોય છે. ઉત્તમ પ્રકારની રમૂજ વૃતિ ધરાવે છે. લેખન, સાહિત્ય અને વાંચનના શોખીન હોય છે. મુત્સદી અને સૂક્ષ્મ બુધ્ધિ ધરાવે છે. તાર્કિક, વિચારશીલ અને વિશ્લેષણ કરનાર હોય છે. વાચાળ, ચંચળ અને ભીરુ સ્વભાવ ધરાવે છે.

કુંડળીમાં પીડિત થયેલો અને અશુભ સ્થાનમાં રહેલો બુધ જાતકને ચાલાક અને લુચ્ચો બનાવે છે. અલ્પબુધ્ધિ અને શંકાશીલ સ્વભાવ આપે છે. નિંદા અને ખુશામતો કરવાની ટેવ ધરાવે છે. તે જુગારી અને નાની મોટી ચોરીઓ કરનાર થઈ શકે છે. બડાશ અને દેખાડો કરવાની આદત ધરાવનાર હોય છે. મિથ્યાભિમાની, બોલવામાં વિવેકનો અભાવ અને સ્મૃતિ લોપ કરાવે છે. દૂષિત બુધ ચામડીના અને વાણીના દર્દો જેવા કે તોતડાપણું વગેરે પેદા કરે છે.

બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. તેની ઉચ્ચ રાશિ કન્યા અને નીચ રાશિ મીન છે. આ એક જ ગ્રહ છે જે સ્વરાશિમાં જ ઉચ્ચનો થાય છે. કન્યા રાશિમાં ૧૫ અંશે પૂર્ણ ઉચ્ચનો થાય છે અને મીન રાશિમાં ૧૫ અંશે પૂર્ણ નીચનો થાય છે. કન્યા રાશિનાં શરૂઆતના ૦ થી ૧૫ અંશ તેની ઉચ્ચરાશિ છે. ૧૬ થી ૨૦ અંશ મૂળત્રિકોણ રાશિ છે અને બાકીનાં ૧૦ અંશો તેની સ્વરાશિ છે. સૂર્ય અને શુક્ર એ બુધના મિત્ર ગ્રહો છે. ચન્દ્ર શત્રુ ગ્રહ છે. મંગળ, ગુરુ અને શનિ સમ ગ્રહો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો