મંગળ

મંગળ એ બહિર્વતિ ગ્રહ છે. બીજા બહિર્વતિ ગ્રહો ગુરુ અને શનિ કરતાં પૃથ્વીથી નજીક છે. મંગળ પૃથ્વીથી આશરે ૧૪ કરોડ ૧૫ લાખ માઈલ દૂર છે. પૃથ્વી કરતાં નાનો ગ્રહ છે. તેનો વ્યાસ લગભગ ૪૨૦૦ માઈલ છે.

મંગળ એટલે કે શુભ. મંગળ એ અંગારક અને ભૌમ તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં અંગારક એટલે બળતો કોલસો અને ભૌમ એટલે ભૂમિનો પુત્ર. મંગળ એ પૃથ્વીનો પુત્ર ગણાય છે. પુરાણોમાં મંગળના જન્મ અંગેની જુદી-જુદી કથાઓ વર્ણવેલી છે. એક કથા અનુસાર મંગળને કાર્તિકેય તરીકે ઓળખવામાં આવ્યાં છે. જે શિવના પુત્ર છે. મંગળનુ ગોત્ર ભારદ્વાજ છે અને તેઓ અવન્તિ દેશના સ્વામી છે. તેમણે લાલ રંગના વસ્ત્ર અને માળા ધારણ કર્યા છે. ચાર ભુજાઓ છે. તેમના હથિયાર શક્તિ, ત્રિશુળ અને ગદા છે. વાહન ઘેટું છે.

મંગળ એક રાશિમા લગભગ દોઢ માસ રહે છે. તેને રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં આશરે ૧૮ માસ લાગે છે. ૮૦ દિવસ સુધી વક્રી બને છે.

મંગળ એ લાલ આંખો ધરાવતો, અસ્થિર, ઉદામતવાદી, આક્રમક સ્વભાવ ધરાવતો ગ્રહ છે. તે ઓછી ઊંચાઈ, લાલાશ પડતો વર્ણ અને પાતળી કમર ધરાવે છે. પુરુષ જાતિનો પાપગ્રહ છે. દક્ષિણ દિશા અને ગ્રીષ્મ ઋતુનો સ્વામી છે. ક્ષત્રિય વર્ણનો, ઉગ્ર સ્વભાવ ધરાવતો તામસિક ગ્રહ છે. અગ્નિ અને વીજળી વપરાતી હોય તેવાં સ્થાનો જેવા કે કારખાના, રસોઈઘર વગેરે સ્થળોએ નિવાસ કરે છે. પિતપ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવે છે. તેનો રંગ રક્ત સમાન લાલ અને સ્વાદ કડવો છે. ધાન્ય મસૂર, રત્ન પરવાળું, ધાતુ સુવર્ણ અને વાર મંગળવાર છે. અધિદેવતા સ્કંદ છે. શરીરમાં મજ્જા પર પ્રભુત્વ ધરાવે છે. સૂર્યની જેમ દક્ષિણ દિશામાં અને દસમ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.

મંગળ એ યુધ્ધ દેવતા છે. ગ્રહોમાં સેનાપતિ છે. યુધ્ધ અને સૈનિકો સાથે સંબંધ ધરાવતો ગ્રહ છે. તે લડાયક, વાદ-વિવાદ કરનાર અને ઉતાવળે નિર્ણયો લેનાર ગ્રહ છે. શૌર્ય, પરાક્રમ, ભાઈ-ભાંડુ, હિમત, સાહસ, વીરતા, ઉત્સાહ, આવેશ, ગુસ્સો, ધગશ, અકસ્માત, હિંસા, યંત્ર શસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાનો કારક છે. શરીરમાં લોહી, સ્નાયુ, મજ્જા, ઈન્દ્રિયો, મસ્તક, મુખ અને ડાબા કાન પર આધિપત્ય ધરાવે છે. આ ઉપરાંત શરીર પર થતાં ઘા, ઘસરકા, કાપાઓ અને દાઝવાનો કારક ગ્રહ છે.

દૂષિત થયા વગરનો બળવાન મંગળ ધરાવનાર જાતકો આત્મવિશ્વાસ, ધગશ, આક્રમકતા અને વિશિષ્ટ શારીરિક તાકાત ધરાવે છે. તેઓ ઝડપથી વિચારનારા અને વિચારોને ઝડપથી અમલમાં મૂકનારા હોય છે. નિષ્કપટી અને નિર્ભય હોય છે. તેઓ યંત્ર શસ્ત્રોનો ઉપયોગ કરવાની આવડત ધરાવનારા હોય છે. ઉત્તમ વાઢકાપ, શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર સર્જન બને છે. નવી યાંત્રિક શોધખોળો કરનાર હોય છે. એન્જીનિયરિંગ અને ટેકનીકલ ક્ષેત્રે સફળતા મેળવે છે. મંગળ પ્રધાન લોકો ઉત્તમ વ્યવસ્થાશક્તિ અને વહીવટી સૂઝ ધરાવે છે. જીંદગીમાં ગમે તેટલાં વિઘ્નો આવવા છતા સફળ થવાની મહાત્વાકાંક્ષા અને આગળ વધવાનો જુસ્સો ધરાવે છે.

કુંડળીમાં દૂષિત થયેલો નિર્બળ અને પીડિત મંગળ જાતકને અવિચારી અને ઉતાવળિયો સ્વભાવ ધરાવનાર બનાવે છે. તેઓ ઝડપથી ગુસ્સે થનારા અને લડાયક પ્રકૃતિ ધરાવનારા હોય છે. હિંસક અને ઘાતકી વૃતિ ધરાવે છે. વ્યસનોનો ભોગ બને છે.

મંગળની સ્વરાશિ મેષ અને વૃશ્ચિક છે. ઉચ્ચ રાશિ મકર અને નીચ રાશિ કર્ક છે. મકર રાશિમા ૨૮ અંશે પૂર્ણ ઉચ્ચનો બને છે અને કર્ક રાશિમા ૨૮ અંશે પૂર્ણ નીચનો બને છે. મેષ રાશિના શરૂઆતના ૦ થી ૧૨ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને ત્યારબાદ બાકીના ૧૮ અંશ સ્વરાશિ છે. સૂર્ય, ચન્દ્ર અને ગુરુ મિત્ર ગ્રહો છે. શુક્ર અને શનિ સમ ગ્રહો છે. બુધ શત્રુ ગ્રહ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા