ચન્દ્ર

ચન્દ્ર એ પૃથ્વીથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ છે. આ એકમાત્ર ગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. તે પૃથ્વીથી આશરે ૨,૩૮,૯૦૦ માઈલ દૂર છે.

સંસ્કૃતમાં ચન્દ્ર એટલે કે તેજસ્વી અને ચળકતું. ચન્દ્રને સોમ પણ કહેવાય છે. સોમ એ પવિત્ર માદક રસ છે. પુરાણો અનુસાર અત્રિ ઋષિએ વરદાન માગવાથી ચન્દ્રએ તેમનાં ઘેર જન્મ લીધો હતો. અન્ય મત અનુસાર ચન્દ્ર એ સમુદ્ર મંથન દરમ્યાન પ્રગટેલાં ચૌદ રત્નોમાંનો એક છે.

ચન્દ્ર યમુના પ્રદેશનો સ્વામી છે. ચન્દ્રને મસ્તક પર ધારણ કરીને ભગવાન શંકર ચન્દ્રશેખર કહેવાયા છે. ચન્દ્ર ભગવાન શંકરનો પરમ ભક્ત છે. શંકરની ઉપાસનાથી ચન્દ્ર પ્રસન્ન થાય છે. તે બુધનો પિતા છે. બુધની માતા ગુરુની પત્ની તારા છે. ચન્દ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રો છે તેમની સાથે લગ્ન કર્યા હતા. બધી દક્ષપુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી વધુ પ્રિય હતી. રોહિણી નક્ષત્રનો સમાવેશ વૃષભ રાશિમાં થાય છે. જે ચન્દ્રની ઉચ્ચ રાશિ છે.

બધાં ગ્રહોમાં ચન્દ્ર સૌથી ઝડપી ગતિ ધરાવતો ગ્રહ છે. તે એક રાશિમાં આશરે સવા બે દિવસ રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ લગભગ ૨૭ દિવસ ૭ કલાક અને ૪૩ મિનિટમાં પૂર્ણ કરે છે. સૂર્યની જેમ ચન્દ્ર પણ હંમેશા માર્ગી રહે છે અને ક્યારેય વક્રી થતો નથી. હિંદુઓ માટે ચન્દ્રની રાશિ અગત્યતા ધરાવે છે. ચન્દ્ર જે રાશિમાં રહેલો હોય તે રાશિનાં અક્ષરો પરથી જ બાળકનું નામ પાડવામાં આવે છે.

ચન્દ્ર એ ગૌર વર્ણ, ગોળ ચહેરો, મોહક આંખો, ટૂંકી ઊંચાઈ અને હ્રષ્ટ પુષ્ટ શરીર ધરાવે છે. સ્ત્રી જાતિનો ગ્રહ છે. વધતી કળાનો ચન્દ્ર શુભગ્રહ અને ઘટતી કળાનો ચન્દ્ર પાપગ્રહ ગણાય છે. વાયવ્ય કોણનો અને વર્ષા ઋતુનો સ્વામી છે. વૈશ્ય વર્ણનો ચંચળ સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. નદી, તળાવ કે દરિયાકિનારાનાં પ્રદેશોમાં નિવાસ કરે છે. જળતત્વ અને કફપ્રકૃતિ ધરાવે છે. તેનો રંગ શ્વેત અને સ્વાદ ખારો છે. ધાન્ય ચોખા, રત્ન મોતી, ધાતુ ચાંદી અને વાર સોમવાર છે. અધિદેવતા ઉમાદેવી છે અને પ્રત્યાધિદેવતા વરૂણ છે. શરીરમાં લોહી પર પ્રભુત્વ ધરાવે છે. ઉત્તર દિશામાં અને ચતુર્થ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.

કુંડળીમાં ચન્દ્ર એ જાતકની માતાનો કારક છે. આ સિવાય મન, વિચારશક્તિ, લાગણીઓ, સંવેદનશીલતા, મૃદુતા, કલ્પનાશીલતા અને જ્યોતિષ વિદ્યાનો કારક ગ્રહ છે. ચન્દ્ર એ શીતળ, આર્દ્ર અને સ્ત્રૈણ ગ્રહ છે. ચન્દ્રપ્રધાન જાતકો ડરપોક અને મૃદુ સ્વભાવ ધરાવતાં હોય છે. ચન્દ્ર ગર્ભ અને ગર્ભાધાન પર આધિપત્ય ધરાવે છે. બાલ્યાવસ્થાનો કારક ગ્રહ છે. દુષિત ચન્દ્ર વારંવાર બિમારીઓ અને બાળકનાં શરીરનાં યોગ્ય વિકાસનો અભાવ સૂચવે છે. ચન્દ્રની કળામાં વધ-ઘટ થતી રહે છે. આથી ચન્દ્ર ચંચળતા, અસ્થિરતા અને ભ્રમણ સૂચવે છે. ચન્દ્રપ્રધાન જાતકો અનિર્ણાયક, ચંચળ અને ગ્રહણશીલ હોય છે. દરિયાપારની મુસાફરીનો સૂચક ગ્રહ છે. શરીરમાં ચન્દ્ર મસ્તક, છાતી, પેટ, આંતરડા, પુરુષની ડાબી આંખ અને સ્ત્રીની જમણી આંખ પર પ્રભુત્વ ધરાવે છે. કિડનીની મૂશ્કેલીઓ, પાંડુ રોગ, મસ્તક અને ઉદર પીડા, માનસિક રોગો વગેરેનું સૂચન કરે છે. ચન્દ્ર સંપર્કથી પ્રભાવિત થાય છે અને રાશિઓની પણ ઘણી અસર આ ગ્રહ પર થાય છે.

ચન્દ્ર વનસ્પતિ અને ઝાડ-પાનનો સ્વામી છે. વનસ્પતિનાં વિકાસને પ્રભાવિત કરે છે. શુક્લ પક્ષમાં વાવેલ વૃક્ષો અને વનસ્પતિઓ વધુ ઝડપથી ઉગે છે. જમીનની નીચે વિકાસ પામતી વનસ્પતિઓ કૃષ્ણ પક્ષમાં વાવવાથી ઝડપથી વિકાસ પામે છે.

કુંડળીમાં શુભ સ્થાન સ્થિત શુભ ચન્દ્રપ્રધાન જાતકો સામાન્ય રીતે સંવેદનશીલ, લાગણીશીલ, પોતાનાં ઘર અને પરિવારજનોને ચાહનારા હોય છે. તેઓ સારી યાદશક્તિ અને ફળદ્રુપ કલ્પનાશીલતા ધરાવતાં હોય છે. ઘણીવાર મધુર અવાજ અને સંગીત પ્રતિભા ધરાવનાર હોય છે. ગ્રહણશીલ અને ઝડપથી પ્રભાવિત થનારા હોય છે. પાણી અને કુદરતનાં સાનિધ્યને પસંદ કરે છે. જે રીતે ચન્દ્રની કળામાં વધ-ઘટ થતી રહે છે તે જ રીતે તેમની જીંદગીમાં ચડાવ-ઉતાર આવતાં રહે છે.

અશુભ સ્થાન સ્થિત દુષિત ચન્દ્ર ધરાવતાં જાતકો અનિર્ણાયક, ચંચળ અને અસ્થિર સ્વભાવ ધરાવતાં હોય છે. ઘણીવાર વધુ પડતી ચિંતા કરે છે. અનિશ્ચિત અને નકારાત્મક વલણ ધરાવે છે. મનોબળ નબળું હોય છે અને ઝડપથી હતાશાનો ભોગ બને છે.

ચન્દ્રની સ્વરાશિ કર્ક છે. ઉચ્ચ રાશિ વૃષભ અને નીચ રાશિ વૃશ્ચિક છે. વૃષભ રાશિના ૩ અંશે પૂર્ણ ઉચ્ચનો અને વૃશ્ચિક રાશિના ૩ અંશે પૂર્ણ નીચનો થાય છે. વૃષભ રાશિના પહેલા ૦ થી ૩ અંશ તેની ઉચ્ચ રાશિ છે અને બાકીનાં ૨૭ અંશ મૂળત્રિકોણ રાશિ છે. સૂર્ય અને બુધ મિત્ર ગ્રહો છે. મંગળ, ગુરુ, શુક્ર અને શનિ સમ ગ્રહો છે. રાહુ શત્રુ ગ્રહ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા