ગ્રહો

આકાશમાં સ્થિર રહેલાં નક્ષત્ર વૃંદોમાંથી પસાર થતાં કેટલાંક આકાશી પદાર્થો જણાયા. આ આકાશી પદાર્થો એટલે કે ગ્રહો. નક્ષત્રો લગભગ સ્થિર રહે છે. જયારે ગ્રહો એક નક્ષત્ર કે રાશિમાંથી બીજાં નક્ષત્ર કે રાશિમાં ગતિ કરતાં રહે છે. ગ્રહ શબ્દની વ્યુત્પતિ ગ્રહણમાંથી થઈ છે. સંસ્કૃતમાં ગ્રહ એટલે કે પકડવું/ઝાલવું. જે નક્ષત્રોને ગ્રહણ કરી લે, પકડી લે તે ગ્રહ.

સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એમ કુલ સાત ગ્રહો છે. આ સિવાય રાહુ અને કેતુને પણ ભારતીય જ્યોતિષમાં ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાહુ અને કેતુ એ કોઈ દ્રષ્ટ ગ્રહો નથી અને આકાશમાં બીજાં ગ્રહોની માફક જોઈ શકાતાં નથી. રાહુ અને કેતુ ગાણિતીક બિંદુઓ છે. પૃથ્વીની ભ્રમણકક્ષા અને ચન્દ્રની ભ્રમણકક્ષા એકબીજાંને જ્યાં છેદે તે બિંદુઓ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. ઉત્તરનું છેદનબિંદુ તે રાહુ અને દક્ષિણનું છેદનબિંદુ એ કેતુ.

ચન્દ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. બાકીનાં મંગળથી શનિ સુધીનાં પાંચ ગ્રહો પૃથ્વીની સાથે ઘડિયાળનાં કાંટાથી અવળી દિશામાં સૂર્ય આસપાસ પ્રદક્ષિણા કરે છે. ભારતીય જ્યોતિષમાં હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યુ નથી. આ ત્રણ ગ્રહો અતિ દૂર હોવાથી આપણાં પર તેમની અસર નહિવત છે. સામાન્ય રીતે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો વ્યક્તિગત અસર કરવાને બદલે પૂરા સમૂહ, સમાજ કે દેશ-દુનિયા અને સામૂહિક ઘટનાઓ પર વધુ અસર કરે છે. કુંડળીમાં ચોક્કસ સંવેદનશીલ બિદુંઓ પર રહેલાં હોય ત્યારે જ વ્યક્તિગત અસર કરનારાં બની રહે છે.

ગ્રહો હંમેશા કોઈ ને કોઈ રાશિમાં રહેલાં હોય છે. અલગ-અલગ રાશિમાં રહેલાં ગ્રહો અલગ-અલગ ફળ આપે છે. રાશિઓ જાતકનાં જીવનમાં ઉત્પન થતી વિવિધ પરિસ્થિતિઓનું સૂચન કરે છે. ગ્રહો એ જાતકના જીવનમાં ભાગ ભજવતી જીવંત વ્યક્તિઓનું સૂચન કરે છે. ૧૨ રાશિઓનું બનેલું રાશિચક્ર ભગવાન શ્રી વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૨ રાશિઓ એ શ્રી વિષ્ણુના શરીરનાં જુદાં-જુદાં અંગો જેવા કે મસ્તક, મુખ, હાથ, પગ વગેરે છે. જ્યારે ગ્રહો એ શ્રી વિષ્ણુનાં નવ અવતારોનું પ્રતિનિધિત્વ કરે છે.

સૂર્ય – રામાવતાર, ચન્દ્ર – કૃષ્ણાવતાર, મંગળ - નૃસિંહાવતાર
બુધ – બુધ્ધાવતાર, ગુરુ – વામનાવતાર, શુક્ર - પરશુરામાવતાર
શનિ – કૂર્માવતાર, રાહુ – વરાહાવતાર, કેતુ – મત્સ્યાવતાર

સૂર્ય અને ચન્દ્ર એક-એક રાશિનું સ્વામીત્વ ધરાવે છે. બાકીનાં મંગળથી લઈને શનિ સુધીનાં પાંચ ગ્રહો બે-બે રાશિઓનું સ્વામીત્વ ધરાવે છે. આ રીતે સાત ગ્રહો વચ્ચે બાર રાશિઓ વહેંચાયેલી છે.

જ્યોતિષમાં ગ્રહોની જીવંત વ્યક્તિઓ તરીકે કલ્પના કરવામાં આવી છે. મનુષ્યોને માફક તેઓ પણ સ્ત્રી અને પુરુષ જાતિમાં વહેંચાયેલાં છે. જીવંત વ્યક્તિઓની માફક તેઓ પણ પોતાની પ્રકૃતિ, ગમા-અણગમાંઓ ધરાવે છે. અરસપરસ એકબીજાની હાજરીનો સ્વીકાર કરે છે. બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે તેમજ પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે.

જીવંત પ્રાણીઓને માફક ગ્રહો પણ દ્રષ્ટિ ધરાવે છે. દરેક ગ્રહ પોતે જે સ્થાનમાં રહેલો હોય ત્યાંથી સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ કરે છે. આ સિવાય બહિર્વતી ગ્રહો મંગળ, ગુરુ અને શનિને વધારાની દ્રષ્ટિ આપવામાં આવી છે. મંગળ પોતાના સ્થાનથી ૪ અને ૮, ગુરુ ૫ અને ૯, શનિ ૩ અને ૧૦ સ્થાન પર પણ દ્રષ્ટિ કરે છે.

જે રીતે આપણે મનુષ્યો અલગ - અલગ પરિસ્થિતિઓમાં સુખનો અને દુઃખનો અનુભવ કરીએ છીએ તે જ રીતે ગ્રહો પણ અલગ - અલગ પરિસ્થિતિઓ/રાશિઓમાં સુખ અને દુઃખનો અનુભવ કરે છે. ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ સ્થિત હોય ત્યારે સૌથી વધુ ખુશ હોય છે. પોતાની મૂળત્રિકોણ રાશિમાં ફરજ પ્રત્યે જાગૃત હોય છે. સ્વરાશિમાં રહેલો હોય ત્યારે આરામદાયક સ્થિતિનો અનુભવ કરે છે. નીચ રાશિમાં રહેલો ગ્રહ દયનીય સ્થિતિ ધરાવે છે.

આ દુનિયામાં જે રીતે સારાં અને ખરાબ બંને પ્રકારનાં મનુષ્યો રહેલા છે તે જ રીતે ગ્રહોની દુનિયામાં શુભગ્રહો અને પાપગ્રહો રહેલાં છે. સૂર્ય, મંગળ, શનિ, રાહુ, કેતુ, ક્ષીણ ચન્દ્ર (કૃષ્ણ અષ્ટમીથી શુક્લ પંચમી) નૈસર્ગિક પાપગ્રહો છે. ગુરુ, શુક્ર, ચન્દ્ર (શુક્લ પંચમીથી કૃષ્ણ સપ્તમી) નૈસર્ગિક શુભગ્રહો છે. પાપગ્રહની સાથે રહેલો બુધ પાપગ્રહ અને એકલો અથવા શુભગ્રહની સાથે રહેલો બુધ શુભગ્રહ ગણાય છે.

ગ્રહોમાં સૂર્ય એ રાજા છે અને ચન્દ્ર રાણી છે. જે રીતે સરકાર ચલાવવામાં માટે દરેક મંત્રીઓને અલગ-અલગ કાર્યભાર સોંપી ખાતાંઓની વહેંચણી કરી દેવામાં આવે છે તે જ રીતે ગ્રહોને ખાતાંઓ વહેંચી દેવામાં આવ્યા છે. ગ્રહોના આ ખાતાંઓ તેમનાં કારકત્વ તરીકે ઓળખાય છે. સૂર્ય આત્માનો, ચન્દ્ર મનનો, મંગળ શક્તિ/બળનો, બુધ વાણીનો, ગુરુ ગ્નાનનો, શુક્ર પ્રેમ/લગ્નનો અને શનિ દુઃખ/દારિદ્રનો કારક છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર