ગ્રહણ

સન ૨૦૧૦ની શરૂઆત ગ્રહણથી થવા જઈ રહી છે. ૩૧મી ડિસેમ્બરે રાત્રે એટલે કે તા. ૧. ૧. ૨૦૧૦ના રોજ ૦૦:૨૨ am થી મિથુન રાશિના આર્દ્રા નક્ષત્રમાં ચન્દ્રગ્રહણ થશે. ત્યારબાદ તા. ૧૫. ૧. ૨૦૧૦ના રોજ મકર રાશિમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં સૂર્ય ગ્રહણ થશે.

જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચન્દ્ર આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસનાં દિવસે જ થાય છે જ્યારે સૂર્ય અને ચન્દ્રની યુતિ થાય છે અને તે બંને પૃથ્વીની એક તરફ હોય છે. દરેક અમાસે સૂર્યગ્રહણ થતું નથી. અમાસની સમાપ્તિ સમયે રાહુ કે કેતુથી આગળ કે પાછળ ૧૯ અંશ કરતાં ઓછા અંતરે સૂર્ય હોય ત્યારે સૂર્યગ્રહણ થવાનો સંભવ રહે છે. આ અંતર ૧૩ અંશ કરતાં ઓછું હોય તો સૂર્યગ્રહણ ચોક્કસ થાય છે.

જ્યારે સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચન્દ્રગ્રહણ થાય છે. ચન્દ્રગ્રહણ પૂનમની રાત્રે જ થાય છે જ્યારે સૂર્ય અને ચન્દ્રની પ્રતિયુતિ હોય છે અને તે બંને એકબીજાની સામે હોય છે. દરેક પૂનમે ચન્દ્રગ્રહણ થતું નથી. પૂનમનાં સમાપ્તિ સમયે રાહુ કે કેતુથી આગળ કે પાછળ ૧૩ અંશથી ઓછા અંતરે ચન્દ્ર હોય ત્યારે ચન્દ્રગ્રહણ થવાનો સંભવ હોય છે. આ અંતર ૯ અંશ કરતાં ઓછું હોય તો ચન્દ્રગ્રહણ ચોક્કસ થાય છે.

પુરાણો અનુસાર સમુદ્રમંથન કર્યા બાદ ભગવાન શ્રી વિષ્ણુ મોહિનીનું સ્વરુપ ધારણ કરીને દેવોને અમૃત વહેંચતાં હતાં ત્યારે એક અસુરે અમૃત પ્રાપ્તિ માટે દેવનું રુપ ધારણ કરી લીધું. આ વાતની જાણ સૂર્ય અને ચન્દ્રને થઈ જતાં તેમણે તરત જ મોહિનીનું ધ્યાન દોર્યુ. મોહિનીએ અસુરનું બે ભાગમાં છેદન કરી નાખ્યું. મસ્તક એ રાહુ અને ધડ તે કેતુ. જો કે તે દરમ્યાન રાહુએ અમૃત પાન કરી લીધું હોવાથી તેનુ મૃત્યુ ન થયું. ત્યારથી રાહુ-કેતુ સૂર્ય અને ચન્દ્ર સાથે બદલો લેવા માટે સમયાંતરે તેમને ગળી જાય છે. રાહુ-કેતુની સૂર્ય અથવા ચન્દ્રને ગળી જવાની ઘટનાને ગ્રહણ કહે છે.

એક વર્ષમાં ઓછામાં ઓછા બે ગ્રહણો અને વધુમાં વધુ સાત ગ્રહણો થાય છે. બધાં ગ્રહણો બધાં દેશમાં કે સ્થળોએ દેખાતાં નથી. ગ્રહણ સામાન્ય રીતે જોડીમાં થાય છે. સૂર્યગ્રહણ થયા બાદ ચન્દ્રગ્રહણ અથવા ચન્દ્રગ્રહણ થયા બાદ સૂર્યગ્રહણ થાય છે. ક્યારેક ક્યારેક ત્રણ ગ્રહણો સૂર્ય-ચન્દ્ર-સૂર્ય અથવા ચન્દ્ર-સૂર્ય-ચન્દ્ર થાય છે. મોટેભાગે સૂર્યગ્રહણ જે રાશિમાં થયું હોય તેનાથી સાતમી રાશિમાં ચન્દ્રગ્રહણ થાય છે. કુંડળીમાં જે ભાવમાં ગ્રહણ થતું હોય તે ભાવ સંબંધિત બાબતોને લગતી સમસ્યાઓ કે પરિવર્તન સૂચવે છે, તે ભાવને લગતી કટોકટી સૂચવે છે. ચન્દ્રગ્રહણ કરતાં સૂર્યગ્રહણ જે ભાવમાં થયું હોય તે ભાવ વધુ સમય અને ધ્યાન માગે છે. જ્યારે જન્મનાં સૂર્યનાં નક્ષત્રમાં જ સૂર્યગ્રહણ અથવા જન્મનાં ચન્દ્રનાં નક્ષત્રમાં જ ચન્દ્રગ્રહણ થતું હોય તો ગ્રહણ વધુ પીડાદાયક બની રહે છે. જન્મ માસ અને ગ્રહણ માસ એક જ હોય તો પણ ગ્રહણ વધુ અસર કરે છે.

ગ્રહણનાં સૂર્ય કે ચન્દ્રની રાશિથી જન્મનાં સૂર્ય કે ચન્દ્રની રાશિ સુધી ગણતરી કરો. જો ગ્રહણની રાશિથી જન્મ રાશિ ૩, ૪, ૮ કે ૧૧ હોય તો શુભ, ૫, ૭, ૯ કે ૧૨ હોય તો મિશ્ર અને ૧, ૨, ૬ કે ૧૦ હોય તો અશુભ ફળ મળે.

૧ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ થનાર ચન્દ્રગ્રહણનું 'ચન્દ્ર રાશિ' પરત્વે ફળ

શુભ ફળ – સિંહ, કન્યા, મકર, મેષ
મિશ્ર ફળ - તુલા, ધનુ, કુંભ, વૃષભ
અશુભ ફળ – મિથુન, કર્ક, વૃશ્ચિક, મીન

૧૫ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ થનાર સૂર્યગ્રહણનું 'સૂર્ય રાશિ' પરત્વે ફળ

શુભ ફળ – મીન, મેષ, સિંહ, વૃશ્ચિક
મિશ્ર ફળ – વૃષભ, કર્ક, કન્યા, ધનુ
અશુભ ફળ - મકર, કુંભ, મિથુન, તુલા

ગ્રહણ ધાર્મિક અને જ્યોતિષિક મહત્વ ધરાવે છે. હિંદુ ધર્મમાં ગ્રહણના દિવસે જુદી દિનચર્યા પળાય છે. ગ્રહણ દરમ્યાન ખોરાક ગ્રહણ નિષેધ હોય છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ગ્રહણ દરમ્યાન મનુષ્યો અને પ્રાણીઓની પાચનશક્તિ મંદ પડી જાય છે. સૂર્ય એ જીવન દાતા છે અને જયારે સૂર્યના કિરણો ચન્દ્ર પાછળ ઢંકાય જાય ત્યારે વાતાવરણ દૂષિત થાય છે. દૂષિત વાતાવરણને લીધે લોકો ખોરાક ગ્રહણ કરતાં નથી અને ઉપવાસ કરે છે.

ગ્રહણ એ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટેની તક છે. ભગવાનની પૂજા, જપ અને દાન માટે શુભ ગણાય છે. ગ્રહણનો સમય મંત્ર જાપ કરવા માટે શ્રેષ્ઠ છે કારણ કે ગ્રહણ સમયે રાહુ વિઘ્ન પહોંચાડવા માટે શક્તિહીન હોય છે. ખાસ કરીને ચન્દ્રગ્રહણ મંત્ર જાપ કરવાં માટે ઉત્તમ છે. ગ્રહણ સમયે કરેલાં મંત્ર જાપને તરત જ મંત્ર સિધ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન સાથે અનુસંધાન જલ્દીથી થાય છે. ગ્રહણ દરમ્યાન કરેલ ૧ મંત્ર જાપ સામાન્ય દિવસોમાં કરેલાં ૧૦૦ મંત્ર જાપ બરાબર હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા