વાસ્તુશાસ્ત્ર

વાસ્તુ શબ્દ સંસ્કૃતની "વસ" ધાતુ પરથી આવ્યો છે. વસ એટલે કે વસવું અને શાસ્ત્ર એટલે વિજ્ઞાન. આમ વાસ્તુશાસ્ત્ર એટલે વસવાટનું વિજ્ઞાન. અન્ય મત મુજબ વાસ્તુ શબ્દ "વસ્તુ” શબ્દમાંથી નિર્મિત થયેલો છે. વસ્તુ એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે. વસ્તુમાંથી ઉત્પન થયું તે વાસ્તુશાસ્ત્ર.

સમગ્ર બ્રહ્માંડ પાંચ તત્વો દ્વારા રચાયેલું છે. આ પાંચ તત્વો છે - અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આપણું શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે. કોઈ પણ નિવાસસ્થાનમાં પણ આ પાંચ તત્વોનો સમાવેશ થયેલો હોય છે. જે રીતે માનવ શરીરમાં આ પાંચ તત્વોનું અસંતુલન પેદા થવાથી વિકાર ઉત્પન થાય છે તે જ રીતે કોઈ પણ નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનું અસંતુલન તેમાં રહેનારાં લોકો માટે મૂશ્કેલીઓ પેદા કરી શકે છે. નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનું ઉચિત સંતુલન તેમાં રહેનાર મનુષ્યોને સુખ, શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરે છે. વાસ્તુશાસ્ત્રનાં નિયમો મુજબનું નિર્માણ આ પાંચ તત્વોનું સંતુલન બનાવી રાખે છે. વાસ્તુશાસ્ત્રની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છૂપાયેલો છે. તેમાં સૂર્યના કિરણો, પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્ર અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવે છે.

નીચે કેટલાંક વાસ્તુશાસ્ત્રનાં મૂળભૂત સિધ્ધાંતો વર્ણવેલ છે.

૧. જે જમીન રહેણાંક માટે પસંદ કરવાની હોય તે દક્ષિણ દિશા કરતાં ઉત્તર દિશા તરફ અને પશ્ચિમ દિશા કરતાં પૂર્વ દિશા તરફ ઢાળ કે નીચાણ ધરાવતી હોય તે શુભ ગણાય. દક્ષિણ અને પશ્ચિમ દિશાની જમીન ઉંચી હોવી જોઈએ.

૨. વાસ્તુ અનુસાર મુખ્ય દ્વાર પૂર્વ કે ઉત્તર દિશા તરફ મૂકાય તે અતિ ઉત્તમ ગણાય.

૩. બેઠકખંડ ઉત્તર, પૂર્વ કે ઈશાન કોણમાં શુભ રહે. ભારે રાચરચીલું બેઠકખંડની દક્ષિણ અને પશ્ચિમ તરફની દિવાલોએ ગોઠવવું જોઈએ.

૪. પૂજા સ્થળ ઈશાન કોણમાં ઉત્તમ ગણાય. પૂજા કરતી વખતે ઉત્તર કે પૂર્વ દિશા તરફ મોં રાખવું જોઈએ. મૃત વ્યક્તિઓની તસવીરો ભગવાનની મૂર્તિની બાજુમાં કે પૂજાના સ્થળે ન રાખવી જોઈએ.

૫. રસોડાં માટે અગ્નિ ખૂણો સૌથી ઉત્તમ રહે. જો આ શક્ય ન હોય તો વાયવ્ય ખૂણામાં પણ બનાવી શકાય. રસોડાંમાં પ્લેટફોર્મ પૂર્વ દિશા તરફ રાખવું જેથી રસોઈ કરતી વખતે રસોઈ કરનારનું મોં પૂર્વ દિશા તરફ રહે.

૬. મુખ્ય શયનકક્ષ નૈઋર્ત્ય ખૂણામાં શ્રેષ્ઠ રહે. સૂતી વખતે માથું દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ રહેવું જોઈએ.

૭. બાળકોનો અભ્યાસખંડ ઉત્તર, પૂર્વ કે પશ્ચિમે બનાવી શકાય. અભ્યાસ કરતી વખતે મોં ઉત્તર કે પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. અભ્યાસ માટેનાં પુસ્તકો ઉત્તર અથવા પૂર્વ દિશા તરફની દિવાલોએ ગોઠવવાં.

૮. ભારે અલમારીઓ, તિજોરી, ઝવેરાત અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ નૈઋર્ત્ય ખૂણામાં એ રીતે રાખવી જોઈએ કે જેથી કરીને દરવાજો કુબેરની ઉત્તર દિશા તરફ ખૂલે.

૯. બોર અને પાણીની ભૂગર્ભ ટાંકી ઈશાન ખૂણાની સહેજ ઉત્તરે કે પૂર્વે બનાવવી શુભ રહે.

૧૦. ઘરમાં સુશોભન માટે લગાડેલાં ચિત્રો અને શિલ્પો પણ અગત્યતાં ધરાવે છે. લડાઈના ચિત્રો પછી તે રામાયણ કે મહાભારતની કથાઓનાં હોય તો પણ ઘરમાં લગાવવાં શુભ ન ગણાય. તે જ રીતે નકારાત્મકતા દર્શાવતાં ચિત્રો જેવા કે ઉદાસી, સંઘર્ષ, હિંસા, જંગલી પશુઓ, દુઃખદ ઘટનાઓ, કુદરતી આફતો વગેરેનાં ચિત્રો પણ ન લગાવવાં જોઈએ. ઘરમાં પ્રેરણાદાયી ચિત્રોથી સુશોભન કરવું જોઈએ.

વાસ્તુશાસ્ત્રનાં રહસ્યો વિશાળ છે. વધુ ચર્ચા ફરી ક્યારેક કરીશું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા