ગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ

ગ્રહમંડળનો સૌથી શુભગ્રહ ગુરુ તા.૨૦-૧૨-૨૦૦૯ના રોજ ૦૦ કલાક ૧૭ મિનિટે કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને તા.૨-૫-૨૦૧૦ સુધી કુંભ રાશિમાં રહેશે. તા.૨-૫-૨૦૧૦થી ગુરુ મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. ફરીથી તા.૧-૧૧-૨૦૧૦ના રોજ ગુરુ કુંભ રાશિમાં પ્રવેશશે અને ત્યારબાદ ફરીથી તા.૬-૧૨-૨૦૧૦થી મીન રાશિમાં ભ્રમણ કરશે.

ગુરુનું કુંભ રાશિમાં આ ભ્રમણ બારે રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં એ નોંધવું જરૂરી છે કે આ ફક્ત સ્થૂળ ફળાદેશ છે. સચોટ ફળાદેશ માટે વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે બાબતોનો અભ્યાસ જરૂરી છે.

મેષ

મેષ રાશિને ગુરુ લાભસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ ધનલાભ કરાવનાર બની રહે. નાણાકીય આવકમાં વધારો થાય. નોકરીમાં પગાર વધારો અને વ્યવસાયમાં નફામાં વૃધ્ધિ થાય. નવી નોકરી મળી શકે તેમજ ચાલુ નોકરીમાં પ્રમોશન મેળવી શકાય. વ્યવસાયમાં ભાગીદારો સાથે સુમેળ રહે. શેર-સટ્ટાથી લાભ રહે. મિત્રો તથા ભાઈ-બહેનોથી ધનલાભ રહે. અપરિણીતોનાં લગ્ન-સગાઈ થઈ શકે છે. પરિણીતોનાં લગ્નજીવન વધુ સંવાદિતાભર્યા બને. સંતાનપ્રાપ્તિ માટે સમય અનુકૂળ રહે. પ્રણયસંબંધોમાં સફળતા મળે. વિદ્યાર્થીઓને ઓછી મહેનતે વધુ સફળતા મળે. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓની પૂર્તિ થાય.

વૃષભ

વૃષભ રાશિને ગુરુ દસમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ નાણાકીય અને કૌટુંબિક બાબતો માટે લાભદાયક પૂરવાર થાય. નાણાકીય આવકમાં વધારો થાય. કુટુંબનાં સભ્યો સાથેનાં સંબંધો વધુ સુમેળભર્યા બને. નોકરી-વ્યવસાય ક્ષેત્રે થોડી મૂશ્કેલીઓ અનુભવાય પરંતુ આ મૂશ્કેલીઓમાંથી સહેલાઈથી બહાર આવી શકાય. નવા ધંધાકીય સાહસોમાં ધીમી પ્રગતિ થાય અને વિલંબનો અનુભવ થઈ શકે છે. નોકરીમાં ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થાય. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે. માતા માટે આ સમય લાભપ્રદ રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સાનુકૂળતા રહે. તંદુરસ્તી સારી રહે.

મિથુન

મિથુન રાશિને ગુરુ નવમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ ભાગ્યવૃધ્ધિ કરનાર બની રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળતા રહે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. ધાર્મિક સ્થળોની યાત્રાઓ થાય. પરદેશથી લાભ રહે તેમજ પરદેશની મુસાફરીઓ પણ થઈ શકે છે. પરિણીતો માટે સંતાનપ્રાપ્તિ માટે અનુકૂળ સમય રહે. કલા, પ્રતિભા અને સર્જનાત્મક શક્તિમાં વધારો થાય. રચનાત્મક લખાણો લખવાં અને પ્રકાશિત કરવા માટે યોગ્ય સમય રહે. બીજાનાં માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકાય.

કર્ક

કર્ક રાશિને ગુરુ અષ્ટમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ ખાસ લાભદાયક ન રહે. વારસાકીય ધનલાભ થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે મહેનત કરવાં છતાં પ્રગતિ ન થાય અને મૂશ્કેલીઓ અનુભવવી પડે. નવા ધંધાકીય સાહસો કરવાથી દૂર રહેવું. પહેલેથી ઘડેલી યોજનાઓમાં નિષ્ફળતા મળે તથા નિર્ણયો ખોટાં પડે. શેર-સટ્ટા માટે સમય પ્રતિકૂળ રહે. જીવનસાથીનો સહકાર મળે તેમજ જીવનસાથીથી ધનલાભ પણ થઈ શકે છે. ગૂઢ, આધ્યાત્મિક બાબતો પ્રત્યેનાં રસમાં વધારો થાય તેમજ ગૂઢ બાબતોનો અભ્યાસ પણ થઈ શકે છે.

સિંહ

સિંહ રાશિને ગુરુ સપ્તમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ લગ્નજીવનને લગતી બાબતો માટે લાભદાયક રહે. અપરિણીતોનાં લગ્ન થઈ શકે છે. પરિણીત યુગલોનાં લગ્નજીવન વધુ સંવાદિતાભર્યા બને. જે લોકો લગ્નજીવનમાં તણાવ કે મૂશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશે તેઓ તેમાથી બહાર આવી શકશે અને મૂશ્કેલીઓનું નિવારણ થઈ શકે છે. સામાજીક સંબંધો વધુ સુમેળભર્યા બને. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થાય. નવી તકો મળે તેમજ વ્યવસાય અર્થે મુસાફરીઓ થાય. નાણાકીય આવકમાં વધારો થાય. શરીરમાં મેદવૃધ્ધિ થઈ શકે છે.

કન્યા

કન્યા રાશિને ગુરુ ષષ્ઠમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ ખાસ લાભદાયક ન રહે. શત્રુઓ અને હરિફોને લીધે હેરાનગતિ સહન કરવી પડે. નાણાકીય આવકમાં મૂશ્કેલી અનુભવાય. જીવનસાથી તથા કુટુંબનાં બીજા સભ્યો સાથે તણાવ અને ગેરસમજો પેદા થવાની સંભાવના રહે. આરોગ્ય તકેદારી માગી લે તેમજ બિમારીને લીધે ખર્ચાઓ આવી પડે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ થાય તેમજ પ્રગતિ થાય. નોકરીમાં સંતોષજનક પરિસ્થિતિ બની રહે. જવાબદારીઓને લીધે માનસિક ચિંતાઓ અનુભવાય.

તુલા

તુલા રાશિને ગુરુ પંચમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ સંતાનોને લગતી બાબતો માટે લાભદાયક પૂરવાર થાય. પરિણીતો માટે સંતાનપ્રાપ્તિ માટે સમય અનુકૂળ રહે. જો સંતાન ધરાવતાં હો તો તેમની સાથેનાં સંબંધો વધુ સુમેળભર્યા બને. સંતાનો માટે આ સમય પ્રગતિકારક બની રહે. કલા, પ્રતિભા અને સર્જનાત્મકશક્તિમાં વધારો થાય. વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ થાય. ધાર્મિક તેમજ આધ્યાત્મિક બાબતોને લગતાં અભ્યાસ માટે સાનુકૂળતા રહે. પ્રણયસંબંધોમાં સફળતા મળે. મિત્રોની સંખ્યામાં વધારો થાય.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિને ગુરુ ચતુર્થસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ ગૃહસ્થજીવન ક્ષેત્રે લાભદાયક બની રહે. કુટુંબનાં સભ્યોનો સહકાર પ્રાપ્ત થાય. ઘરમાં સુખ-શાંતિ બની રહે. માનસિક શાંતિનો અનુભવ થાય. ઘરને લગતાં નવાં સુખ-સગવડ સાધનોની ખરીદી થઈ શકે છે. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી કરી શકાય. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે આ સમય અનુકૂળ બની રહે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી.

ધનુ

ધનુ રાશિને ગુરુ તૃતીયસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ ભાઈ-બહેનો સાથેનાં સંબંધો બાબતે લાભદાયક પૂરવાર થાય. ભાઈ-બહેનો સાથેનાં સંબંધ વધુ સુમેળભર્યા બને તેમજ તેમનાં દ્વારા ધનલાભ પણ થઈ શકે છે. નાણાકીય આવકમાં વધારો થાય. નાની મુસાફરીઓ તથા ધાર્મિક સ્થળોની યાત્રાઓ થાય. અપરિણીતોના લગ્ન થઈ શકે છે. રચનાત્મક લખાણો લખવાં માટે યોગ્ય સમય રહે. પિતા માટે આ સમય લાભપ્રદ રહે. દ્રષ્ટિકોણ વિશાળ બને તથા વધુ ખુલ્લાં મનથી વિચારો. વધુ ઉદાર અને સહનશીલ બનો.

મકર

મકર રાશિને ગુરુ દ્વિતીયસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ નાણાકીય અને કૌટુંબિક બાબતો માટે લાભદાયક રહે. નાણાકીય સ્ત્રોતો તેમજ આવકમાં વધારો થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકો પેદા થાય. નવી નોકરી મળી શકે તેમજ નોકરીમાં પ્રગતિ થાય. ઉપરી અધિકારીઓ અને સહકાર્યકરોનો સહકાર મળી રહે. કુટુંબનાં સભ્યો સાથેનાં સંબંધો વધુ સુમેળભર્યા બને. કુટુંબમાં માંગલિક પ્રસંગની ઉજવણી થાય. હરિફો અને શત્રુઓ પર વિજય મેળવી શકાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે.

કુંભ

કુંભ રાશિને ગુરુ લગ્નસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ માનસિક પ્રસન્નતા પ્રદાન કરનાર બની રહે. માનસિક શાંતિ અને આનંદનો અનુભવ કરી શકાય. શરીરમાં મેદવૃધ્ધિ થાય પરંતુ દેખાવ પ્રત્યે સભાન બનશો અને નિયમિત વ્યાયામની શરૂઆત થઈ શકે છે. અપરિણીતોને લગ્ન કરવાં માટે સમય અનુકૂળ રહે. પરિણીતોને સંતાનપ્રાપ્તિ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે પણ સાનુકૂળતા રહે. પ્રણયસંબંધોમાં સફળતા પ્રાપ્ત થાય. ધાર્મિક વલણમાં વધારો થાય તેમજ ધાર્મિક સ્થળોની યાત્રાઓ પણ થઈ શકે છે.

મીન

મીન રાશિને ગુરુ વ્યયસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે લાભદાયક પૂરવાર થાય. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય તેમજ તેમાં આગળ વધવાની તીવ્ર ઈચ્છા રહે. અહમનો નાશ થાય અને આંતરિક શક્તિઓનો વિકાસ થાય. પરદેશની મુસાફરીઓ થઈ શકે છે. નાણાકીય ખર્ચાઓ આવી પડે પરંતુ નાણાઓ મોટેભાગે શુભ હેતુઓ જેવા કે દાન-ધર્માદા પાછળ ખર્ચ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમય મૂશ્કેલીભર્યો રહે. વધુ પડતાં કામનાં બોજને લીધે તણાવ અનુભવાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા