મીન

મીન રાશિ રાશિચક્રની બારમી અને અંતિમ રાશિ છે. તે દ્વિસ્વભાવ અને જળતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી ગુરુ છે. મીન રાશિમાં પૂર્વાભાદ્રપદા નક્ષત્રનું છેલ્લું ચરણ, ઉત્તરાભાદ્રપદા અને રેવતિ નક્ષત્રનો સમાવેશ થાય છે.

મીન રાશિનું ચિહ્ન પાણીમાં તરતી બે માછલીઓ છે. મીન રાશિનાં જાતકો મધ્યમ કે ટૂંકું કદ, ભરાવદાર દેહ અને ચહેરો, ટૂંકા અને નાનાં હાથ-પગ ધરાવતાં હોય છે. માછલીઓ પાણીમાં તરી રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં પાણી લાગણીઓનું સૂચક છે. મીન રાશિનાં જાતકો લાગણીશીલ, સંવેદનશીલ, કલ્પનાશીલ અને કરુણામય વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. તેઓ પ્રામાણિક અને પરોપકારી હોય છે અને બીજાની મદદ કરવાં હંમેશા તૈયાર હોય છે. પોતાનાં નાણા બીજાને મદદરૂપ થવામાં અને દાન આપવામાં ખર્ચી નાખે છે. ઘણીવાર તેમની વધુ પડતી ઉદારતા તેમની પોતાની પ્રગતિને અવરોધે છે. પાણીમાં માછલીઓ એકબીજાથી વિરુધ્ધ દિશામાં તરી રહી છે. એ બેવડી ઈચ્છાઓ, વિચારો અને વલણોનું સૂચન કરે છે. મીન રાશિનાં જાતકો હંમેશા પોતાનાં બેવડાં વિચારોને લીધે અટવાયાં કરે છે. ઉપર તરવું કે નીચે તરવું? આ દિશામાં તરવું કે પેલી દિશામાં? આ રીતે બેવડી ઈચ્છાઓને લીધે થાકી જાય છે અને પોતાનાં ઈચ્છિત ધ્યેયની પ્રાપ્તિમાં અસફળ રહે છે. મીન રાશિનાં જાતકોનું મન અસ્થિર હોય છે અને એક જગ્યાએ સ્થિર રહી કાર્ય કરી શકતાં નથી. તેઓ વારંવાર નોકરી કે વ્યવસાય બદલાવ્યાં કરે છે. તેમનું લગ્નજીવન મોટેભાગે સુખી હોય છે પરંતુ તેઓ ઈર્ષાળુ સ્વભાવ ધરાવે છે. મીન રાશિનાં જાતકો તત્વગ્નાન અને ધાર્મિક બાબતોમાં રુચિ ધરાવનારાં હોય છે. તેઓ વિદ્વાન, પ્રમાદી છતાં પ્રતિભાશાળી અને સારાં લખાણો લખી શકનાર હોય છે. માછલીઓ પાણીમાં રહેતી હોવાથી મીન રાશિનાં જાતકો વધુ પડતું પ્રવાહી કે પાણી પીનાર હોય છે. તેઓ દરિયાકિનારાની જગ્યાઓમાં રહેવાનું કે ફરવાનું પસંદ કરે છે. મીન રાશિનાં જાતકો સરળ, નિરુપદ્રવી, ન્યાયપૂર્ણ, અભ્યાસુ અને વિચારશીલ સ્વભાવ ધરાવનારાં હોય છે. તેઓ આધ્યાત્મિક રીતે વિકસિત વ્યક્તિત્વ ધરાવનાર હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા