કન્યા

કન્યા રાશિનું ચિહ્ન કુમારિકા છે. કન્યા રાશિનાં જાતકો મધ્યમ ઉંચાઈ, સુડોળ શરીર અને હસતો ચહેરો ધરાવતાં હોય છે. એક કુમારિકાની માફક તેઓ શરમાળ અને સંવેદનશીલ હોય છે. તેઓ સૌમ્ય અને મૃદુભાષી હોય છે. તેઓ આકર્ષક રીતે વાતચીત કરવાની કલા ધરાવે છે અને પોતાની વાતોથી સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ સમજી અને વિચારીને બોલનારાં હોય છે. પોતાનાં વિચારો વ્યક્ત કરતાં પહેલાં ચકાસી લે છે અને ત્યારબાદ વ્યક્ત કરે છે. પોતાનાં રહસ્યો ગુપ્ત રાખે છે. કુમારિકા પોતાનાં ભવિષ્યનાં સપનાંઓ અને કલ્પનાઓની દુનિયામાં રાચતી હોય છે. આ જ રીતે કન્યા રાશિનાં જાતકો કલ્પનાશીલ હોય છે અને પોતાની કલ્પનાઓ પર દ્રઢ વિશ્વાસ ધરાવનારાં હોય છે. કન્યા રાશિ માનવીય રાશિ છે. આથી કન્યા રાશિનાં જાતકો માટે માનવતા અગ્ર સ્થાને હોય છે. તેઓ સેવાભાવ અને સંબંધોમાં વિશ્વાસ ધરાવનારાં હોય છે. સંબંધોમાં સાવધાન હોય છે અને સંબંધો જોડતાં પહેલાં પૂરતી તકેદારી રાખે છે. કન્યા રાશિનાં જાતકો દરેક બાબતોનું વિશ્લેષણ અને નિરિક્ષણ કરનારાં હોય છે. દરેક બાબતોમાં વિશ્લેષણ કરી કારણો ચકાસ્યા કરે છે અને ત્યારબાદ દલીલો પર ઉતરી આવે છે. લગ્નજીવનમાં પણ દલીલો કર્યા કરે છે અને ઘણીવાર દલીલો વારંવાર કરાતી ફરિયાદોનુ સ્વરૂપ ધારણ કરી લે છે. કન્યા રાશિનાં જાતકો પૂર્ણતાનાં આગ્રહી હોય છે. તેઓ એક સાફ સુથરી, વ્યવસ્થિત અને પૂર્ણ દુનિયા જોવા ઈચ્છે છે. તેઓ બુધ્ધિશાળી, ઉત્તમ માર્ગદર્શક અને સલાહકાર હોય છે. એકસાથે ઘણા બધાં કાર્યો કરવાં ઈચ્છે છે તેથી એક પણ કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરી શકતાં નથી. તેઓ મુસાફરીઓ પસંદ કરનાર હોય છે. ભાગ્યે જ ગુસ્સે થનારાં હોય છે. કન્યા રાશિનાં જાતકો વિદ્વાન, ધૈર્યવાન અને સમજદાર હોય છે.
ટિપ્પણીઓ