સિંહ

સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ છે. તે સ્થિર અને અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી સૂર્ય છે. સિંહ રાશિમાં મઘા, પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનાં પ્રથમ ચરણનો સમાવેશ થાય છે.

સિંહ રાશિનું પ્રતીક નામ પ્રમાણે જ સિંહ છે. સિંહ રાશિનાં જાતકો ઊંચા, સુદ્રઢ અને સ્નાયુબધ્ધ બાંધો, મજબૂત હાડકાંઓ, પહોળું કપાળ અને અલ્પ કેશ ધરાવતાં હોય છે. તેઓ ગૌરવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. સિંહ એટલે કે જંગલનો રાજા. એક રાજામાં હોય તે બધાં જ ગુણો સિંહ રાશિનાં જાતકો ધરાવે છે. તેઓ સત્તાપ્રિય, નિર્ભય, મહાત્વાકાંક્ષી, અભિમાની અને હિંમતવાન હોય છે. જીંદગીમાં હંમેશા દરેક સમયે અને દરેક જગ્યાએ સર્વોચ્ચ સ્થાને પહોંચવાની મહેચ્છા ધરાવે છે. નોકરી અથવા વ્યવસાયમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ કરે છે. સિંહ રાશિનાં જાતકો માટે બીજાની નીચે રહી કામ કરવું મૂશ્કેલ હોય છે. તેઓ જીંદગીના તમામ પડકારોને પહોંચી વળવા તત્પર હોય છે. તેઓ ઓછું બોલવાની ટેવ ધરાવે છે. બોલે ત્યારે ઉંચા સાદે બોલે છે અને ગુસ્સે થાય ત્યારે સિંહની માફક ગર્જના કરે છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જંગલનો રાજા સિંહ છે તો ગ્રહોનો રાજા સૂર્ય છે. એક રાજા પાસે સત્તાની સાથે પ્રજાના ભરણપોષણની જવાબદારી પણ રહેલી હોય છે. સૂર્યની ગરમી દઝાડે છે તો એ જ સૂર્ય જીવનદાતા પણ છે. આથી જ સિંહ રાશિનાં જાતકો પરોપકારી, વિશાળ હ્રદય ધરાવતાં, ઉદાર અને માનવજાતને ઉપયોગી થવાની ભાવના ધરાવતાં હોય છે. સૂર્ય શિસ્તતાપૂર્વક અચૂક દરરોજ ઉગે છે અને આથમે છે. એ જ રીતે સિંહ રાશિનાં જાતકો પણ પોતાના વ્યવહારમાં શિસ્તતા ધરાવતાં હોય છે. તેઓ ઘરમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરતાં રહે છે. તેમનું લગ્નજીવન મોટેભાગે સમસ્યાઓથી ભરેલું હોય છે. તેઓ સ્વાભિમાની અને સ્વતંત્રતાપ્રિય હોય છે. તેઓ માને છે કે તેઓ માલિક છે અને બીજાઓએ તેમનાં હુકમનું પાલન કરવું એ તેમની ફરજ છે. આ જ કારણથી લોકો તેમનાંથી ડરે છે. હકિકતમાં સિંહ રાશિનાં જાતકો દયાળુ અને બીજાનાં દુઃખદર્દમાં ભાગીદાર થવા ઈચ્છુક હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા