કર્ક

કર્ક રાશિનું ચિહ્ન કરચલો છે. કર્ક રાશિના જાતકો ઓછી ઉંચાઈ, ટૂંકું નાક, ચન્દ્ર જેવો ગોળ ચહેરો, ભરાવદાર ગાલ અને પુષ્ટ શરીર ધરાવતાં હોય છે. કરચલો જમીન અને પાણી એમ બંનેમાં છૂપાઈને રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં જળને લાગણીઓ અને સંવેદનોનું પ્રતીક માનવામાં આવે છે. કર્ક રાશિનાં જાતકો સંવેદનશીલ, લાગણીશીલ અને સહાનુભૂતિપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. આમ છતાં તેઓ પોતાની લાગણીઓ છૂપાવવામાં પણ કુશળ હોય છે. ઘણીવાર તેઓ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે. કર્ક રાશિના જાતકોને જળ પ્રિય હોય છે. તેઓ દરિયાકિનારે કુદરતનાં સાનિધ્યમાં રહેવાનું કે ફરવાનું પસંદ કરે છે. કરચલો હંમેશા પોતાની પીઠ પર પોતાનું કવચરૂપી ઘર સાથે લઈને ફરે છે અને મૂશ્કેલીનાં સમયમાં પોતાના ઘરમાં છૂપાઈ જાય છે. કર્ક રાશિના જાતકોને પણ પોતાનું ઘર અત્યંત પ્રિય હોય છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય ઘર અને પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે. તેઓ પોતાના પરિવારજનોની સુરક્ષા અને સંભાળ બાબતે સતર્ક હોય છે. તેઓ પોતાની મોટાભાગની કમાણી સુંદર ઘર બનાવવામાં અને પરિવારજનોનાં ભરણપોષણ પાછળ ખર્ચે છે. તેઓ પોતાના પરિવાર અને સંતાનો માટે કંઈ પણ કરી છૂટવાં તૈયાર હોય છે. ક્યારેક તેમનો વધુ પડતો સંરક્ષણાત્મક અભિગમ તેમનાં સંતાનોને ગૂંગળાવે છે. કર્ક રાશિના જાતકો ઘણીવાર પોતાની માતા માટે વિશેષ લાગણી ધરાવે છે. તેમનામાં દેશભક્તિની ભાવના પણ પ્રબળ જોવા મળે છે. કર્ક રાશિના જાતકો કલ્પનાશીલ હોય છે. તેઓ ઘટનાઓ કે વાર્તાઓનું રસપ્રદ રીતે વર્ણન કરવામાં નિપૂણ હોય છે. ઘટનાઓનું વર્ણન નાટકીય રીતે ચહેરા પર હાવભાવ લાવીને કરે છે. ઘણીવાર નાની વાતને વધારીને કહેવાની આદત હોય છે. કર્ક રાશિના જાતકો પોતે લાગણીશીલ હોવાથી બીજાની લાગણીઓને સહેલાઈથી સમજી શકે છે. તેઓ સારા મનોવૈગ્નાનિક કે મનોચિકિત્સક બની શકે છે. તેઓ ગૂઢ વિષયોમાં રસ ધરાવે છે અને તેમની અંતઃપ્રેરણા બળવાન હોય છે.
ટિપ્પણીઓ
jay somnath