મિથુન

મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ છે. તે દ્વિસ્વભાવ અને વાયુતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી બુધ છે. મિથુન રાશિમાં મૃગશીર્ષ નક્ષત્રનાં છેલ્લા બે ચરણો, આર્દ્રા અને પુનર્વસુ નક્ષત્રનાં પહેલાં ત્રણ ચરણોનો સમાવેશ થાય છે.

મિથુન રાશિનું પ્રતીક ગદાધારી નર અને વીણાયુક્ત સ્ત્રી છે. મિથુન રાશિના જાતકો ઉંચા, પાતળાં અને સપ્રમાણ શરીર ધરાવતાં હોય છે. તેમનો ચહેરો સહેજ લાંબો, લાંબુ નાક, લાંબા હાથ અને આંખો તીક્ષ્ણ હોય છે. તેમનાં ચહેરા પર બૌધ્ધિકતા અને નમ્રતા ઝળકતી હોય છે. મિથુન રાશિનું ચિહ્ન સ્ત્રી-પુરુષ યુગલ છે. સ્ત્રી અને પુરુષનું મિલન એટલે નવા સર્જનની સંભાવના. આથી જ મિથુન રાશિના જાતકો નવા વિચારો, નવી શોધો અને નવા સંશોધનોના સર્જક હોય છે. તેઓ સંસાર સાથે જોડાવાની આંતરિક ઈચ્છા ધરાવે છે. મિથુન રાશિનાં જાતકો મસ્તિષ્કની દુનિયામાં જીવે છે. તેઓ સાહિત્યરસિક, વાંચનપ્રિય અને ચર્ચાઓ પસંદ કરનાર હોય છે. તેઓ કલ્પનાશીલ અને રચનાત્મક હોય છે અને સારા લેખક બની શકે છે. તેમની વાણી મર્મયુકત હોય છે અને ભાષાઓ પર ઉત્તમ કાબુ ધરાવે છે. મિથુન રાશિનાં જાતકો હંમેશા નવું-નવું જાણવા તત્પર હોય છે. તેઓ એક કરતાં વધુ વિષયોમાં રસ ધરાવે છે. ઘણી વાર એક કરતાં વધુ કાર્યો કે વ્યવસાયો હાથ પર લે છે અને તેથી ક્યારેક મૂંઝવણમાં પડી જાય છે. મિથુન રાશિ દ્વિસ્વભાવ રાશિ છે. મિથુન રાશિનાં જાતકો બેવડાં વિચારો અને વલણો ધરાવે છે. બેવડાં વિચારોને લીધે ક્યારેક ઝડપથી નિર્ણયો લઈ શકતાં નથી અને અવ્યવહારિક વર્તણૂંક દાખવે છે. મિથુન રાશિનાં જાતકો મુસાફરીઓ પસંદ કરનાર હોય છે. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ થઈ જાય છે. તેઓ ઉત્તમ રમૂજવૃતિ ધરાવે છે અને સારા જીવનસાથી પૂરવાર થાય છે. મિથુન રાશિ માનવીય રાશિ છે. આથી મિથુન રાશિનાં જાતકો ઉત્તમ સામાજીક રીતભાત ધરાવે છે. પરંતુ ક્યારેક શરમાળ પ્રકૃતિ પણ ધરાવે છે. તેઓ ઝડપથી ગુસ્સે થાય છે પરંતુ ઝડપથી શાંત પણ થઈ જાય છે. તેમની છઠ્ઠી ઈંદ્રિય બળવાન હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા