વૃષભ

વૃષભ એટલે કે આખલો અથવા બળદ. માનવસભ્યતામાં ગાય અને ઘોડાની સાથે બળદને પણ એક ઉપયોગી પ્રાણી ગણવામાં આવ્યું છે. વૃષભ રાશિના જાતકો બળદ જેવો મજબૂત અને સ્નાયુબધ્ધ બાંધો, જાડી ગરદન, ગોળ ચહેરો, વાંકડીયા વાળ, ગૌર વર્ણ અને લાક્ષણિક ચાલ ધરાવતાં હોય છે. બળદ જે ચીલે પડે તે ચીલે ચાલ્યો જાય છે. તે જ રીતે વૃષભ રાશિના જાતકો એકધારી ગતિથી ધીમે-ધીમે કાર્ય કરનારાં હોય છે. તેઓ પરંપરાઓને વળગી રહેનારા, જૂનવાણી અને આદતો મુજબ કાર્યો કરવાં ટેવાયેલાં હોય છે. બળદ પરિપક્વ અને ઉર્જાથી ભરપૂર પ્રાણી છે. જો તેની ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવે તો કંઈ પણ પ્રાપ્ત થઈ શકે છે નહિ તો એ જ ઉર્જા વિનાશનું કારણ બને છે. વૃષભ રાશિના જાતકો પણ ઉર્જાસભર હોય છે. તેમણે તેમની શક્તિઓ અને આવડતોનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જોઈએ. બળદ કર્તવ્યનિષ્ઠ, સંયમિત અને આસપાસની પરિસ્થિતિઓથી નિર્લિપ્ત રહેનારું પ્રાણી છે. વૃષભ રાશિનાં જાતકો ધૈર્યવાન, કર્તવ્યપરાયણ અને નાની-નાની બાબતોથી જલ્દીથી વિચલિત નહિ થનારા હોય છે. તેમને છંછેડો નહિ ત્યાં સુધી શાંત રહે છે. તેઓ ભાગ્યે જ ગુસ્સે થાય છે. પરંતુ ગુસ્સે થાય ત્યારે કોઈ પરિણામની પરવા કરતાં નથી. વૃષભ રાશિનાં જાતકો ભૌતિકવાદી વલણ ધરાવે છે. તેમને વસ્ત્રો, અલંકારો અને મોજ-શોખનાં સાધનોનો શોખ હોય છે. કલા, સંગીત અને નાટકોમાં અભિરૂચિ ધરાવે છે. તેમને ઉત્તમ ભોજન પ્રિય હોય છે અને સારી પાચનશક્તિ ધરાવે છે. તેઓ ભાગ્યે જ બિમાર પડે છે. વૃષભ રાશિનાં જાતકો બળદની જેમ બેફિકર, અલમસ્ત અને હંમેશા ખુશ રહેનારાં હોય છે.
ટિપ્પણીઓ