રાહુનો ધનુ અને કેતુનો મિથુન રાશિમાં પ્રવેશ

તા.૧૭.૧૧.૨૦૦૯ના રોજ ૧૩ ક.૩૦ મિ.એ રાહુ ધનુમાં અને કેતુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ અને કેતુ આવતાં ૧૮ મહિના સુધી ધનુ અને મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. બારે રાશિઓ પર રાહુ અને કેતુનાં આ ગોચર ભમણની અસર નીચે વર્ણવ્યા મુજબ પડશે.

અહીં એ નોંધવું જરૂરી છે કે આ માત્ર સ્થૂળ આગાહીઓ છે. વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો અને દશા-મહાદશાના આધારે ફળમાં ફેરફાર થઈ શકે છે.

મેષ (અ, લ, ઈ)

મેષ રાશિને રાહુ નવમસ્થાનેથી અને કેતુ તૃતીયસ્થાનેથી પસાર થશે. નવમસ્થાનેથી પસાર થતો રાહુ નોકરી-ધંધામાં સ્થિરતા લાવશે અને અટકાયેલાં કાર્યોને આગળ વધારશે. આવકમાં વધારો થશે. નોકરીમાં સત્તા તથા પદની પ્રાપ્તિ થઈ શકે છે. ધંધાકીય નવા કરારો કરવાં માટે સમય અનુકૂળ રહેશે. જીવનધોરણ ઉંચુ આવશે અને મોજ-શોખનાં સાધનોની ખરીદી થશે. પરદેશની તથા ધાર્મિક સ્થળોની મુસાફરી થઈ શકે છે. મિત્રો અને સગાં-સંબંધીઓ સાથે મતભેદ ઉભા થવાનાં સંજોગો છે. ગળા, કાન તથા ખભ્ભાની બિમારીથી સાચવવું.

વૃષભ (બ, વ, ઉ)

વૃષભ રાશિને રાહુ અષ્ટ્મસ્થાનેથી અને કેતુ દ્વિતીયસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. નોકરી-ધંધા માટે આ સમય અડચણો અને મૂશ્કેલીઓથી ભરેલો રહે. નફા તથા આવકમાં ઘટાડો થાય. ઉપરી અધિકારીઓથી હેરાનગતિ અનુભવવી પડે. નોકરીમાં બદલી થાય અને કુટુંબથી વિખૂટાં પડવું પડે. આ સમય નોકરી બદલવા માટે કે શેર-સટ્ટામાં રોકાણ કરવાં માટે અનુકૂળ નથી. વારસાગત ધનલાભ થઈ શકે છે. પરદેશથી લાભ તથા પરદેશ યાત્રાઓ થાય. કોર્ટ-કચેરીનાં કામોમાં સફળતા મળે. ગૂઢ આધ્યાત્મિક બાબતો પ્રત્યેનાં રસમાં વધારો થાય. આ સમય તબિયત માટે ખાસ સંભાળવો અને કોઈ પણ જાતની બિમારીઓ પ્રત્યે બેદરકાર ન રહેવું.

મિથુન (ક, છ, ઘ)

મિથુન રાશિને રાહુ સપ્તમસ્થાનેથી અને કેતુ લગ્નમાંથી ગોચર ભ્રમણ કરશે. સપ્તમસ્થાનેથી થતું રાહુનું ગોચર ભ્રમણ જીવનસાથી સાથે મતભેદો ઉભા કરાવી શકે અને લગ્નજીવનમાં મૂશ્કેલીઓ પેદા કરે. વિજાતીય પાત્રોથી સંભાળીને રહેવું. જો જન્મકુંડળીનાં ગ્રહો અનુકૂળતા સૂચવતાં હશે તો અપરિણીતોના લગ્ન-સગાઈ થઈ શકે છે. ધંધામાં ભાગીદારો સાથે મતભેદો ઉભા થવાની સંભાવના છે. નવી નોકરી કે નવા ધંધાકીય સાહસો માટે સમય પ્રતિકૂળ રહે. નાણાંની આવક અંગે ચિંતા રહે. કેતુનુ લગ્નસ્થાનેથી થતું ગોચર ભ્રમણ શારીરિક સમસ્યાઓ કે બિમારીઓ આપી શકે. પોતાની તથા જીવનસાથીની તબિયત અંગે ચિંતા રહે.

કર્ક (ડ, હ)

કર્ક રાશિને રાહુ ષષ્ઠમસ્થાનેથી અને કેતુ વ્યયભાવમાંથી પસાર થશે. ષષ્ઠમસ્થાનેથી થતું રાહુનું ગોચર ભ્રમણ અનુકૂળતાઓ સૂચવે છે. સાહસ તથા હિમતમાં વધારો થાય. નાણાકીય આવક વધે તથા ઉધાર લીધેલાં નાણાં કે લોનની ભરપાઈ થઈ શકે. નોકરી-ધંધા અંગે સમય અનુકૂળ રહે અને નવા સાહસોની શરૂઆત કરી શકાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે અને શત્રુઓ પર જીત મેળવી શકાય. લગ્નજીવનની સમસ્યાઓમાં ઉકેલની પ્રાપ્તિ થાય. લાંબા સમયથી ચાલતી બિમારીમાં રાહત રહે. વ્યયસ્થાનેથી થતું કેતુનુ ગોચર ભ્રમણ આધ્યાત્મિક પ્રગતિ કરાવે.

સિંહ (મ, ટ)

સિંહ રાશિને રાહુ પંચમસ્થાનેથી અને કેતુ લાભસ્થાનમાંથી પસાર થશે. રાહુ-કેતુનું આ ગોચર ભ્રમણ સિંહ રાશિ માટે મિશ્ર સમય સૂચવે છે. ક્યારેક ચડતી તો ક્યારેક પડતી અનુભવાય. કલા અને સર્જનનાં ક્ષત્રો સાથે સંકળાયેલાં લોકો માટે આ સમય લાભપ્રદ રહે. બૌધ્ધિક કાર્યો સાથે સંકળાયેલાં લોકો માટે પણ આ સમય અનુકૂળ રહે. મિત્રોથી લાભ રહે તેમજ મિત્રોની સંખ્યામાં વધારો થાય. શેર-સટ્ટાથી લાભ રહે. પ્રેમસંબંધોમાં સફળતા મળે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે અને અભ્યાસમાં એકાગ્રતા ન રહે. સગર્ભા સ્ત્રીઓએ ખાસ સંભાળવું.

કન્યા (પ, ઠ, ણ)

કન્યા રાશિને રાહુ ચતુર્થસ્થાનેથી અને કેતુ દસમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. રાહુનું ચતુર્થસ્થાનેથી થતું ગોચર ભ્રમણ ચિંતાઓ રખાવે અને માનસિક અશાંતિ રહે. માતાને માટે આ સમય પ્રતિકૂળ રહે અને તેમની તબિયત સંભાળ માંગી લે. નોકરી-ધંધા માટે પણ આ સમય ખાસ અનુકૂળ ન રહે. નવા ધંધાકીય સાહસો કરવા માટે સમય હિતાવહ નથી. પ્રમોશન મળવામાં વિલંબ થાય. નોકરી અને ઘરનાં સ્થળોમાં ફેરફારો થાય. અણગમતી જગ્યાએ બદલી થાય. જમીન, મકાન અથવા વાહનની ખરીદી થઈ શકે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય. હ્રદયને લગતાં રોગોથી સાવધ રહેવું.

તુલા (ર, ત)

તુલા રાશિને રાહુ તૃતીયસ્થાનેથી અને કેતુ નવમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. રાહુનું તૃતીયસ્થાનેથી ગોચર ભ્રમણ લાભપ્રદ બની રહે. હિમત તથા સાહસમાં વધારો થાય. આર્થિક લાભ થાય. રમતગમત, લેખન તેમજ સંચાર ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકોને સફળતા પ્રાપ્ત થાય. નોકરી-ધંધા માટે સમય અનુકૂળ બની રહે. ધાર્મિક વલણમાં વધારો થાય તેમજ ધાર્મિક સ્થળોની યાત્રાઓ થાય. નાની મુસાફરીઓ તથા પરદેશ યાત્રા પણ થઈ શકે છે. મિત્રો અને સગા-સંબંધીથી લાભ રહે. પિતાની તબિયતની સંભાળ રાખવી.

વૃશ્ચિક (ન, ય)

વૃશ્ચિક રાશિને રાહુ દ્વિતીયસ્થાનેથી અને કેતુ અષ્ટમસ્થાનેથી પસાર થશે. કૌટુંબિક બાબતો માટે આ સમય મૂશ્કેલીભર્યો બની રહે. કૌટુંબિક મતભેદો ઉભા થવાની શક્યતા રહે. કુંટુંબના સભ્યોના વિરોધનો સામનો કરવો પડે. વાણી પર નિયંત્રણ રાખવું. સંતાનોથી મતભેદ રહે તથા તેમની ચિંતા રહે. નાણાકીય ક્ષેત્રે આવક-જાવકની સ્થિતિ બની રહે. અચાનક અણધારેલાં ખર્ચાઓ આવી પડે. લોન ચૂકતે કરવામાં મૂશ્કેલી પડે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય. અષ્ટ્મસ્થાનેથી થતું કેતુનુ ગોચર ભ્રમણ તબિયત માટે પ્રતિકૂળ છે. ઓપરેશનના યોગો ઉભા થાય. દાંતના રોગો, ઈજાઓ-અકસ્માતોથી તકેદારી રાખવી. આધ્યાત્મિક, ગૂઢ બાબતો પ્રત્યેના રસમાં વધારો થઈ શકે છે.

ધનુ (ભ, ફ, ધ, ઢ)

ધનુ રાશિને રાહુ લગ્નસ્થાનમાંથી અને કેતુ સપ્તમસ્થાનેથી પસાર થશે. સપ્તમસ્થાનેથી થતું કેતુનું ગોચર ભ્રમણ લગ્નજીવનમાં મૂશ્કેલીઓ પેદા કરી શકે છે. જીવનસાથી સાથે મતભેદો ઉભા થાય અથવા જીવનસાથીની તબિયત અંગે ચિંતા રહે. જે લોકો અગાઉથી તણાવભર્યા લગ્નસંબંધ ધરાવે છે તેમનાં લગ્ન છૂટાછેડામાં પરિણમી શકે છે. નોકરી-ધંધા ક્ષેત્રે સમય અનુકૂળ બની રહે પરંતુ ધંધામાં ભાગીદારો સાથે મતભેદો ઉભા ન થાય તેની તકેદારી રાખવી. લગ્નમાંથી પસાર થતો રાહુ ભૌતિકવાદી વલણ રખાવે. માનસિક તેમજ શારીરિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. શારીરિક નબળાઈ-થાક અનુભવાય. વિદ્યાર્થીઓની અભ્યાસમાં એકાગ્રતા ઓછી થાય અને તેને લીધે તેમને સહન કરવાનું થાય.

મકર (ખ, જ)

મકર રાશિને રાહુ વ્યયસ્થાનેથી અને કેતુ ષષ્ઠમસ્થાનેથી પસાર થશે. વ્યયસ્થાનેથી પસાર થતો રાહુ વ્યર્થ ભ્રમણ અને વ્યર્થ ખર્ચાઓ કરાવી શકે છે. આમ છતાં પૂરતી નાણાકીય આવક બની રહેશે. શારીરિક સમસ્યાઓ કે બિમારીઓથી રાહત મળે. પરદેશથી લાભ રહે તેમજ પરદેશ યાત્રાઓ થાય. કોર્ટ-કચેરીના કામોમાં સફળતા મળે અને શત્રુઓ પર જીત મેળવી શકાય. નોકરી-ધંધામાં નવી તકોની પ્રાપ્તિ થાય. ઉધાર લીધેલાં નાણાની ચૂકવણી કરી શકાય. ગૃહક્ષેત્રે સુખ અને શાંતિનો અનુભવ કરી શકાય. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સમય અનુકૂળ બની રહે.

કુંભ (ગ, શ, સ, ષ)

કુંભ રાશિને રાહુ લાભસ્થાનેથી અને કેતુ પંચમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. લાભસ્થાનેથી પસાર થતો રાહુ આર્થિક લાભ કરાવે તેમજ લાંબા સમયથી રહેલી ઈચ્છાઓની પૂર્તિ થાય. નોકરી-ધંધા ક્ષેત્રે આ સમય લાભપ્રદ બની રહે. પ્રમોશન મળવાની તકો ઊભી થાય. સામાજીક પ્રવૃતિઓમાં આગળ વધી શકાય. પંચમસ્થાનેથી પસાર થતો કેતુ સંતાન બાબતે ચિંતાઓ કરાવે. શેર-સટ્ટા માટે આ સમય પ્રતિકૂળ રહે. આધ્યાત્મિક તથા ધાર્મિક બાબતોના અભ્યાસમાં આગળ વધી શકાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. પ્રેમસંબંધોમાં મૂશ્કેલીઓ પેદા થઈ શકે છે. શારીરિક સમસ્યાઓ કે બિમારીઓનો સામનો કરવો પડે. સગર્ભા સ્ત્રીઓએ ખાસ તકેદારી રાખવી.

મીન (દ, ચ, ઝ, થ)

મીન રાશિને રાહુ દસમસ્થાનેથી અને કેતુ ચતુર્થસ્થાનેથી પસાર થશે. નોકરી-ધંધા ક્ષેત્રે નવી તકો પેદા થાય. નવી સારી નોકરી કે પ્રમોશન મળવાની સંભાવનાઓ રહેલી છે. ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓનો સહકાર બની રહે. નાણાકીય લાભ થાય. જીવનધોરણ ઊંચુ આવે તેમજ મોજ-શોખનાં સાધનોની ખરીદી થાય. ચતુર્થસ્થાનેથી થતું કેતુનું ગોચર ભમણ માનસિક રીતે પ્રતિકૂળ છે. માનસિક ચિંતાઓ રહે. માતા માટે આ સમય પ્રતિકૂળ બની રહે. જમીન, મકાન અથવા વાહનને લીધે નુક્સાની સહન કરવી પડે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી પડે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા