રાશિઓ અને તેના સ્વામીઓ

ગ્રહોમાં સૂર્ય એ રાજા અને ચન્દ્ર એ રાણી છે. મંગળ સેનાપતિ, બુધ યુવરાજ, ગુરુ દેવોનાં ગુરુ, શુક્ર દાનવોનાં ગુરુ અને શનિ દાસ છે.

સૂર્ય અને ચન્દ્ર સિવાય દરેક ગ્રહોને બે-બે રાશિઓ આપવામાં આવી છે. આ રાશિઓ કઈ રીતે વહેંચવામાં આવી છે તે રસપ્રદ છે. ગ્રહોને તેમનાં સૂર્યથી રહેલાં અંતર અનુસાર ગોઠવવામાં આવે તો સૂર્યથી સૌથી નજીકના અંતરે બુધ રહેલો છે. ત્યારબાદ શુક્ર, મંગળ, ગુરુ અને શનિ એ ક્ર્મમાં ગ્રહો રહેલાં છે.

સૂર્યની રાશિ સિંહ અને ચન્દ્રની રાશિ કર્ક છે. એકવાર રાજા સૂર્ય અને રાણી ચન્દ્ર બેઠા હતાં ત્યારે બધાં ગ્રહો એક બાદ એક તેમની પાસે આવવા લાગ્યા. સૂર્યથી સૌથી નજીકનાં અંતરે બુધ રહેલો છે એટલે સૌ પ્રથમ તક બુધને મળી. રાજા સૂર્યે બુધને પોતાનાથી બીજી રાશિ કન્યા આપી અને રાણી ચન્દ્રએ બુધને પોતાનાથી આગલી રાશિ મિથુન આપી. આમ બુધ સમ/બેકી રાશિ કન્યા અને વિષમ/એકી રાશિ મિથુનનો સ્વામી થયો. બુધ પછીનાં અંતરે શુક્ર રહેલો છે એટલે ત્યારબાદ શુક્રને તક મળી. સૂર્યએ શુક્રને પોતાનાથી ત્રીજી રાશિ તુલા આપી અને ચન્દ્રએ વધુ એક આગલી રાશિ વૃષભ આપી. શુક્ર પછીનાં ક્રમે રહેલાં મંગળને વૃશ્ચિક અને મેષ રાશિ મળી. મંગળ બાદ ગુરુનો વારો આવ્યો. ગુરુને ધનુ અને મીન રાશિ મળી. સૌથી છેલ્લે શનિને સૂર્યએ મકર અને ચન્દ્રએ કુંભ રાશિ આપી.

આ રીતે દરેક ગ્રહને એક સમ અને એક વિષમ રાશિ મળી. સમ રાશિમાં ગ્રહનાં સૌમ્ય ગુણ પ્રગટ થાય છે અને વિષમ રાશિ ગ્રહના આક્રમક ગુણોને પ્રગટ કરે છે.


રાશિ સ્વામી રાશિ સ્વામી
સિંહ સૂર્ય કર્ક ચન્દ્ર
કન્યા બુધ મિથુન બુધ
તુલા શુક્ર વૃષભ શુક્ર
વૃશ્ચિક મંગળ મેષ મંગળ
ધનુ ગુરુ મીન ગુરુ
મકર શનિ કુંભ શનિ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર