પંચાંગ

પંચાગ એટલે કે પંચ + અંગ. જે રીતે નામ સૂચવે છે તેમ પંચાગ પાંચ અંગો ધરાવે છે. ૧. તિથિ ૨. વાર ૩. નક્ષત્ર ૪. યોગ ૫. કરણ. જ્યોતિષમાં આ પાંચ અંગો કાળનાં વિભાગો દર્શાવે છે. કાળની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિને આધારે કરવામાં આવે છે. આમ પંચાગ એ સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિની પાંચ પ્રકારે થતી અભિવ્યક્તિ છે. પંચમહાભૂત તત્વોમાં તિથિ એ જળ, વાર એ અગ્નિ, નક્ષત્ર એ વાયુ, યોગ એ આકાશ અને કરણ એ પૃથ્વી તત્વ છે.

૧. તિથિ

સૂર્ય અને ચન્દ્ર આકાશમાં એક જ અંશે ભેગા થાય તેને અમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કરતાં ચન્દ્રની ગતિ વધુ હોવાથી ચન્દ્ર આગળ ચાલે છે. જ્યારે ચન્દ્ર એ સૂર્ય કરતાં ૧૨ અંશ આગળ વધી જાય ત્યારે એક તિથિ પૂર્ણ થઈ ગણાય છે. આમ આગળ વધતાં વધતાં ચન્દ્ર ફરી સૂર્ય સાથે આવી જાય એટલે કે ચન્દ્ર ૩૬૦ અંશનું એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૩૦ તિથિઓ(૩૬૦/૧૨) પૂર્ણ થાય છે. તિથિઓ અનુક્ર્મે પ્રતિપદા, દ્વિતિયા, તૃતીયા વગેરે તરીકે ઓળખાય છે. ચન્દ્ર જયારે સૂર્યની સામે ૧૮૦ અંશના અંતરે આવે ત્યારે પૂર્ણિમા થઈ કહેવાય છે. પહેલી ૧૫ તિથિઓ શુક્લપક્ષ તરીકે ઓળખાય છે. શુક્લપક્ષની ૧૫મી તિથિ પૂર્ણિમા કહેવાય છે. ત્યારબાદની બાકીની ૧૫ તિથિઓ કૃષ્ણપક્ષ તરીકે ઓળખાય છે. કૃષ્ણપક્ષની ૧૫મી તિથિ અમાવસ્યા કહેવાય છે.

૨. વાર

એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનાં સમયને “વાર” કહેવામાં આવે છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ સાત વાર છે અને એક વાર લગભગ ૨૪ કલાકનો હોય છે. અહીં એ નોંધવું જરૂરી છે કે વેદિક વાર એ ખ્રિસ્તિ વારની માફક રાત્રે ૧૨ વાગ્યે નહિ પરંતુ બીજા દિવસનાં સૂર્યોદય સમયે પૂર્ણ થાય છે.

૩. નક્ષત્ર

૩૬૦ અંશનું વર્તુળ પૂર્ણ કરતાં ચન્દ્રને ૨૭ દિવસ કરતાં થોડો વધારે સમય લાગે છે. આથી ક્રાંતિવૃતનાં ૨૭ કે ૨૮ વિભાગ પાડવામાં આવ્યા છે. કાંતિવૃતનાં ૨૭ વિભાગ પાડતાં એક વિભાગ ૧૩ અંશ ૨૦ કલાનો બને છે. આ દરેક વિભાગ “નક્ષત્ર” તરીકે ઓળખાય છે. ૨૮મું નક્ષત્ર અભિજીત તરીકે ઓળખાય છે. ઉત્તરાષાઢા નક્ષત્રનાં ચોથા ચરણથી લઈને શ્રવણ નક્ષત્રનો પ્રથમ ૧/૧૫ ભાગ અભિજીત નક્ષત્ર તરીકે ઓળખાય છે. આમ અભિજીત નક્ષત્ર ૪ અંશ ૧૪ કલા ૧૩ વિકલાનું બને છે.

૨૭ નક્ષત્રોનાં નામો નીચે મુજબ છે.

૧. અશ્વિની ૧૦. મઘા ૧૯. મૂળ
૨. ભરણી ૧૧. પૂર્વાફાલ્ગુની૨૦. પૂર્વાષાઢા
૩. કૃતિકા ૧૨. ઉત્તરાફાલ્ગુની૨૧. ઉત્તરાષાઢા
૪. રોહિણી ૧૩. હસ્ત ૨૨. શ્રવણ
૫. મૃગશીર્ષ ૧૪. ચિત્રા ૨૩. ધનિષ્ઠા
૬. આર્દ્રા ૧૫. સ્વાતિ ૨૪. શતતારકા
૭. પુનર્વસુ ૧૬. વિશાખા ૨૫. પૂર્વાભાદ્રપદા
૮. પુષ્ય ૧૭. અનુરાધા૨૬. ઉત્તરાભાદ્રપદા
૯. આશ્લેષા ૧૮. જ્યેષ્ઠા ૨૭. રેવતી૪. યોગ

કાંતિવૃતના આરંભસ્થાનથી સૂર્ય અને ચન્દ્રનું અંતર રાશિ-અંશ-કલા-વિકલામાં માપીને ત્યારબાદ સૂર્ય અને ચન્દ્રનાં તે અંતરોનો સરવાળો કરવામાં આવે છે. આ સરવાળાનાં જવાબનો ૧૩ અંશ ૨૦ કલાનો દરેક વિભાગ "યોગ" કહેવાય છે. નીચે મુજબ કુલ ૨૭ યોગ છે.

૧. વિષ્કુંભ ૧૦. ગંડ ૧૯. પરિઘ
૨. પ્રીતિ ૧૧. વૃધ્ધિ ૨૦. શિવ
૩. આયુષ્માન ૧૨. ધ્રુવ ૨૧. સિધ્ધિ
૪. સૌભાગ્ય ૧૩. વ્યાઘાત ૨૨. સાધ્ય
૫. શોભન ૧૪. હર્ષણ ૨૩. શુભ
૬. અતિગંડ ૧૫. વજ્ર ૨૪. શુક્લ
૭. સુકર્મા ૧૬. સિધ્ધિ ૨૫. બ્રહ્મ
૮. ધૃતિ ૧૭. વ્યતિપાત૨૬. ઐન્દ્ર
૯. શૂલ ૧૮. વરિયાન ૨૭. વૈધૃતિ૫. કરણ

એક તિથિનાં અર્ધ ભાગને "કરણ" કહેવામાં આવે છે. સૂર્ય અને ચન્દ્ર વચ્ચે ૧૨ અંશનું અંતર પડે ત્યારે એક તિથિ બને છે. આ ૧૨ અંશનો અર્ધ ભાગ એટલે કે ૬ અંશનું અંતર સૂર્ય અને ચન્દ્ર વચ્ચે પડે ત્યારે કરણ બને છે. આમ એક તિથિ બે કરણો ધરાવે છે. કરણોની કુલ સંખ્યા ૧૧ છે જેમાંથી ૭ કરણો ચર છે અને ૪ કરણો સ્થિર છે.

ચરકરણ : ૧. બવ ૨. બાલવ ૩. કૌલવ ૪. તૈતિલ ૫. ગર ૬. વણિજ ૭. વિષ્ટિ

સ્થિરકરણ : ૧. શકુનિ ૨. ચતુષ્પદ ૩. નાગ ૪. કિંસ્તુઘ્ન

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા