ગોચરમાં વક્રી બુધ

આજકાલ મારું કોમ્પ્યુટર મને હેરાન કરી રહ્યું છે અને મને કાન ખેંચીને યાદ અપાવી રહ્યું છે કે અત્યારે બુધ વક્રી છે! તો ચાલો જાણીએ કે ગોચરમાં વક્રી થયેલો બુધ આપણી જીદંગીને કઈ રીતે અસર પહોંચાડી શકે.

સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે વક્રી થવું એ હકીકતમાં શું છે. વક્રી થવું એટલે કે પાછા ફરવું. ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો 'દેખાય' તેને ગ્રહ વક્રી થયો કહેવાય. અહીં હકીકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતા આપણને દ્રષ્ટિ ભ્રમ થાય છે કે ગ્રહ પાછળ જઈ રહ્યો છે. આ દ્રષ્ટિ ભ્રમ આપણને પૃથ્વી અને બીજા ગ્રહોની સૂર્ય આસપાસ ફરવાની ગતિને લીધે થાય છે.

બુધ એક વર્ષમાં ૩ થી ૪ વખત વક્રી થાય છે. આ એ સમય છે જ્યારે બુધ સૌનું ધ્યાન ખેંચી ગ્રહમંડળમાં પોતાની હાજરી પૂરાવે છે. બુધ એ સંદેશાવ્યવહાર, વેપાર-વાણિજ્ય, મુસાફરી, વાણી, વિચાર, અભિવ્યક્તિ, લેખન અને પ્રકાશનનો કારક છે. જ્યારે જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે આ બધાંને અવળી અસર પહોંચે છે.

બુધ જ્યોતિષિક મેસેન્જર છે અને જ્યારે પણ વક્રી થાય છે ત્યારે બહારની દુનિયા સાથેનાં આપણાં સંદેશાઓની આપ-લે ખોરવી નાખે છે. તમારાં લખેલાં પત્રો, સંદેશાઓ, ઈ-મેલ્સ યોગ્ય જગ્યાએ પહોંચતા નથી, ગૂમ થઈ જાય છે, પાછા ફરે છે અથવા તેમનો જવાબ મળતાં વિલંબ થાય છે. ટેલિફોન્સ, પોસ્ટલ સેવાઓ, કુરિયર, ટેલિવિઝન, સેટેલાઈટ્સ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ આ બધાંને અસર પહોંચે છે. મુલાકાતો નક્કી થાય છે અને પાછી ઠેલાય છે. મુસાફરીનાં આયોજન રદ કરવાં પડે છે અથવા મુસાફરીમાં વિલંબ થાય છે. ગોચરમાં વક્રી બુધ મૂંઝવણો, અનિર્ણયાત્મકતા, પુનરાવર્તન અને મૂશ્કેલીઓ પેદા કરે છે. કામમાં ભૂલો થાય છે અને ફરી કરવું પડે છે. આ સમય દરમ્યાન નિર્ણયો લઈ શકાતાં નથી અથવા આ સમય દરમ્યાન લીધેલાં નિર્ણયો પછીથી બદલવાં પડે છે. ખરીદેલી વસ્તુઓ માટે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. વક્રી બુધનો સમય કરારો કરવાં કે ભાગીદારી કરવા માટે યોગ્ય નથી. આ સમય દરમ્યાન કરેલાં કરારો કે ભાગીદારી લાંબો સમય ટકતી નથી કે લાભપ્રદ હોતી નથી. વક્રી બુધ બજારમાં ગભરાટ અને મંદી પેદા કરે છે.

કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. એક સારી અને એક ખરાબ. વક્રી બુધ પણ ખરાબની સાથે સાથે કેટલીક સારી બાબતો માટે પણ તક પેદા કરે છે. ધ્યાન તથા આત્મમંથન કરવા માટે વક્રી બુધનો સમય ઉત્તમ છે. આ સમયગાળા દરમ્યાન આપણે પણ પાછળ ફરીને આપણી જીદંગીમાં ઝાંકી લેવું જોઈએ. અધૂરાં છોડેલાં, બાકી રહેલાં કે ભૂલાય ગયેલાં કાર્યો ફરી શરુ કરવા માટેનો આ સમય છે. વક્રી બુધ એટલે કે 'ફરી કરવું'. જૂના મિત્રને લાંબા સમય બાદ ફરી મળવા માટે કે વાંચી લીધેલું પુસ્તક ફરી વાંચવા માટે કે પછી મનગમતી જગ્યાની ફરી મુલાકાત લેવા માટેની આ તક છે.

વર્ષ ૨૦૦૯માં બુધ ૪ વખત વક્રી થશે. ૧૧ જાન્યુઆરી, ૨૦૦૯ થી ૧ ફેબ્રુઆરી, ૭ મે થી ૩૧ મે, ૭ સપ્ટેમ્બર થી ૨૯ સપ્ટેમ્બર અને ૨૬ ડિસેમ્બર થી ૧૫ જાન્યુઆરી, ૨૦૧૦. આ સમયને નોંધી લો અને આ સમયગાળા દરમ્યાન વિલંબ, પુનરાવર્તન અને ભૂલો પ્રત્યે જાગૃત રહો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર