પનોતી

જ્યારે નાનું બાળક ચાલતાં શીખતું હોય અને અચાનક મા તેનો હાથ છોડી દે ત્યારે બાળક જે અસહાયતા અને અસલામતી અનુભવે તેવો જ કંઇક અનુભવ આપણને પનોતી કરાવે છે. બાળક સમજતું નથી કે તેનો હાથ તેની પોતાની જ ભલાઈ માટે છોડી દેવામાં આવ્યો છે. મા હાથ છોડી દેશે તો જ બાળક પોતાનાં પગ પર ઉભા રહેતાં શીખશે. પનોતી પણ આપણને આપણા પગ પર ઉભા રહેતાં શીખવે છે. ચંદ્ર એ મા છે અને જ્યારે ગોચરનો શનિ આ ચંદ્રથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી પસાર થાય છે ત્યારે સાડા સાતી પનોતી અનુભવાય છે. આ સિવાય જ્યારે ગોચરનો શનિ જન્મનાં ચંદ્રથી ૪ અને ૮ સ્થાનોમાંથી પસાર થાય ત્યારે અઢી વર્ષની નાની પનોતી ભોગવાય છે.

હું જયારે ૧૨ વર્ષની હતી ત્યારે મારા પિતાની બદલી બીજા શહેરમાં થઈ. અમે લોકો નવાં શહેરમાં રહેવા આવ્યા અને મને નવી શાળામાં દાખલ કરવામાં આવી. પરંતુ મને મારી નવી શાળા, ઘર અને શહેર બિલકુલ ગમતાં નહોતાં. જૂની શાળા અને શહેર ખૂબ યાદ આવતાં અને ઘણીવાર હું શાળાએથી ઘરે આવીને રડતી અને દુઃખી થતી રહેતી. આ હતો પનોતી સાથેનો મારો પ્રથમ પરિચય :) પનોતી સ્થળાંતર કરાવી શકે છે. અણગમતાં લોકો અને અણગમતી જગ્યાએ રહેવું પડે છે. માનસિક ચિંતાઓ, તક્લીફો અને ઉદાસી અનુભવાય છે. અણધારેલી ઉપાધિઓ આવી પડે છે. પરંતુ કહેવાય છે ને કે મનુષ્ય દુઃખમાં જ ભગવાનને યાદ કરે છે. પનોતી ભગવાનની નજીક લઈ જાય છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે. સાડા સાતીમાંથી પસાર થઈને જાતક બદલાય જાય છે અને જાણે કે એક નવો જ જન્મ થાય છે. શનિ આપણને વાસ્તવિકતાનું ભાન કરાવે છે અને ધરતી પર લઈ આવે છે. યાદ રાખો શનિને નમ્રતા પસંદ છે, અહંકાર અને ઘમંડ નહિ. સૂર્ય/અહંકારની ઉચ્ચ રાશિ મેષમાં શનિ નીચનો થઈ જાય છે અને સૂર્યની નીચ રાશિ તુલામાં શનિ ઉચ્ચનો થાય છે. પનોતી દરમ્યાન નમ્ર બની રહેવાથી અને સારા કર્મો કરવાથી શનિ મહારાજની હેરાનગતિથી બચી શકાય છે.

પનોતી દરેકને માટે અને દરેક વખતે કષ્ટપ્રદ હોતી નથી. ઘણી વખત પનોતી લાભ પણ કરાવે છે. જેમનો જન્મનો શનિ ઉચ્ચનો, વર્ગોત્તમી કે યોગકારક હોય તેમને પનોતી લાભદાયક રહે છે. જન્મરાશિનો સ્વામી જો શનિનો મિત્ર હોય તો પણ પનોતી ત્રાસદાયક રહેતી નથી. મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિ/લગ્ન માટે પનોતી પ્રતિકૂળ જ્યારે વૃષભ, તુલા, મકર અને કુંભ રાશિ/લગ્ન માટે પનોતી અનુકૂળ રહે છે. બાકીની રાશિઓ માટે પનોતી ખાસ તક્લીફદાયક હોતી નથી. આ સિવાય જન્મના ચંદ્ર અને શનિની સ્થિતિ પણ પનોતીના પરિણામ પર અસર પાડે છે.

પનોતીની પ્રતિકૂળ અસર હનુમાનજીની આરાધના કરીને ઓછી કરી શકાય છે. કહેવાય છે કે શનિ હંમેશ માટે હનુમાનજીનો ઋણી છે. હનુમાનજીએ શનિને રાવણનાં સકંજામાંથી છોડાવ્યો હતો આથી શનિએ હનુમાનજીને વચન આપેલું છે કે જે કોઈ તેમની આરાધના કરશે તે શનિની પીડામાંથી મુક્તિ પામશે.

ટિપ્પણીઓ

અજ્ઞાત એ કહ્યું…
MITHUN LAGNA ANE VRUSHCHIK NO CHANDRA HOY TEVI KUNDLI MA BHAGYA STHANE KUMBH NO SHANI HOY TO SHANI NI PANOTI KEVI ASAR KARE ?

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર