શનિનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 74 થી 85 શનિનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે.

પ્રથમ ભાવ: જ્યારે કુંડળીમાં પ્રથમભાવ/લગ્નસ્થાનમાં શનિ તુલા અથવા મકર અથવા કુંભ રાશિમાં હોય તો જાતક દેશ અથવા નગરનો સ્વામી અને રાજાના સમાન હોય છે. અન્ય રાશિઓમાં પ્રથમભાવમાં શનિ હોય તો જાતક દુ:ખી તેમજ બાલ્યાવસ્થામાં રોગોથી પીડિત, દરિદ્રી, કાર્યોને વશ થયેલો, મલિન તથા પ્રમાદી હોય છે.

દ્વિતીય ભાવ: જો દ્વિતીયભાવમાં શનિ હોય તો જાતક વિકૃત મુખવાળો એટલે કે મુખનો રોગી, ધનનો ઉપભોગ કરનારો, સ્વજનો રહિત, ન્યાયકર્તા, પાછલી અવસ્થામાં પરદેશગમન કરનાર તથા પરિચારકો અને વાહનનું સુખ ભોગવનાર હોય છે.

તૃતીય ભાવ: જો તૃતીયભાવમાં શનિ હોય તો જાતક શ્યામવર્ણ ધરાવનાર, સ્વચ્છ દેહવાળો, દુષ્ટ, આળસુ પરિચારકોથી યુક્ત, વીર, દાની તથા ઘણો બુદ્ધિશાળી હોય છે.

ચતુર્થ ભાવ: જ્યારે ચતુર્થભાવમાં શનિ હોય ત્યારે જાતક હ્રદયની પીડા ભોગવનારો અથવા દુ:ખી હ્રદય ધરાવનાર, સ્વજનો-વાહન-ધન-બુદ્ધિના સુખથી રહિત હોય છે. બાલ્યાવસ્થામાં વ્યાધિગ્રસ્ત દેહ ધરાવનાર તેમજ લાંબા નખ અને ગાઢ રુંવાટીવાળો હોય છે.  

પંચમ ભાવ: જ્યારે કુંડળીમાં પંચમભાવમાં શનિ હોય ત્યારે જાતક સુખ-પુત્ર-મિત્રથી રહિત, બુદ્ધિહીન, અચેત, પાગલ તથા દીન હોય છે.

ષષ્ઠમ ભાવ: જો છઠ્ઠા ભાવમાં શનિ હોય તો જાતક પ્રબળ કામી, સુંદર શરીરધારી, શૂરવીર, અધિક ખાનારો, વિપરિત સ્વભાવ ધરાવનાર અને અનેક શત્રુઓનો વિનાશ કરનારો હોય છે.

સપ્તમ ભાવ: જો સપ્તમભાવમાં શનિ સ્થિત હોય તો જાતક નિરંતર રોગી, મૃત પત્નીવાળો, નિર્ધન, દૂષિત વેષધારી, પાપી તેમજ અત્યંત ઘૃણાસ્પદ કાર્યો કરનાર હોય છે.

અષ્ટમ ભાવ: જ્યારે કુંડળીમાં અષ્ટમ ભાવમાં શનિ હોય ત્યારે જાતક કોઢ તેમજ ભગંદરના રોગથી દુ:ખી, અલ્પાયુ તેમજ આરંભેલાં કાર્યોના ફળથી રહિત હોય છે. સમસ્ત કાર્યોથી રહિત હોય છે.

નવમ ભાવ: જો કુંડળીમાં નવમ ભાવમાં શનિ હોય તો જાતક અધર્મી, અલ્પધની, ભાઈ તેમજ પુત્ર રહિત, સુખથી રહિત તથા અન્યોને પીડા આપનાર હોય છે.

દસમ ભાવ: જો દસમભાવમાં શનિ હોય તો જાતક ધનવાન, વિદ્વાન, શૂરવીર, મંત્રી અથવા ન્યાયધીશ હોય છે. સમુદાય-ગ્રામ-નગરનો પ્રધાન હોય છે.

એકાદશ ભાવ: જ્યારે શનિ કુંડળીનાં એકાદશભાવમાં સ્થિત હોય ત્યારે જાતક દીર્ઘાયુષી, સ્થિર ઐશ્વર્ય ધરાવનાર, શૂરવીર, શિલ્પ આદિ કલાઓનું જ્ઞાન ધરાવનાર, નિરોગી તથા ધન-પરિચારકો-સંપતિથી યુક્ત હોય છે.

દ્વાદશ ભાવ: જો શનિ કુંડળીના બારમા ભાવમાં સ્થિત હોય તો જાતક પતિત, વિકળ, પ્રલાપ કરનાર, વિકારી દ્રષ્ટિ ધરાવનાર, નિર્દય, નિર્લજ્જ, અધિક ખર્ચ કરનાર અને સર્વત્ર અપમાનિત થનારો હોય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર