મંગળનું બાર ભાવમાં ફળ (સારાવલી)
પંડિત શ્રી કલ્યાણ
વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 26 થી 37 મંગળનું બાર
ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે.
પ્રથમ ભાવ: જો મંગળ
પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં હોય તો જાતક ક્રૂર, સાહસી, સ્તબ્ધ, અલ્પાયુષી, સ્વમાન અને
શૌર્યથી યુક્ત, હિમતવાન, ઈજા પામેલ
શરીર ધરાવતો, આકર્ષક દેખાવ ધરાવતો, ચંચળ
સ્વભાવનો, ચપળ હોય છે.
દ્વિતીય ભાવ: જ્યારે મંગળ દ્વિતીયસ્થાનમાં હોય
ત્યારે જાતક દરિદ્ર, નઠારું ભોજન કરનાર, કુરૂપ ચહેરો ધરાવનાર, અયોગ્ય લોકોની સંગત કરનાર,
વિદ્યાવિહીન હોય છે.
તૃતીય ભાવ: જો મંગળ તૃતીયસ્થાનમાં હોય તો જાતક
શૂરવીર, અજેય, ભાઈ-બહેનો
રહિત, આનંદી, સદગુણો ધરાવનાર પ્રસિદ્ધ
વ્યક્તિ હોય છે.
ચતુર્થ ભાવ: જ્યારે મંગળ ચતુર્થસ્થાનમાં રહેલો
હોય ત્યારે જાતક સંબંધીઓના સુખથી રહિત હોય છે. સાધનસરંજામ અને વાહનવિહીન, અત્યંત દુ:ખી, અન્યોના ઘરે નિવાસ કરનારો અને સંતાપ પામેલો
હોય છે.
પંચમ ભાવ: જો મંગળ પંચમભાવમાં
સ્થિત હોય તો જાતક સુખ, સંપતિ
અને પુત્રરહિત હોય છે. ચંચળ સ્વભાવનો, ચાડીચુગલી કરનાર,
દુષ્ટતાને નોતરનાર, દુરાચારી, સંતાપ પામેલો, નીચ વ્યક્તિ હોય છે.
ષષ્ઠમ ભાવ: જો મંગળ છઠ્ઠા ભાવમાં રહેલો હોય તો
જાતક અત્યંત કામી, પ્રબળ જઠરાગ્નિ ધરાવનાર,
સ્વરૂપવાન, ઉંચો, બળવાન અને
સંબંધીઓમાં અગ્રણી હોય છે.
સપ્તમ ભાવ: જો મંગળ સપ્તમ સ્થાનમાં સ્થિત હોય તો
જાતક પત્નીને ગુમાવે છે. રોગોથી પીડા પામે છે અને દુષ્ટ માર્ગને અપનાવે છે. દુ:ખી, પાપી, ધનરહિત, સંતાપ પામેલો અને દુર્બળ શરીર ધરાવનાર હોય છે.
અષ્ટમ ભાવ: જ્યારે મંગળ આઠમાં ભાવમાં સ્થિત હોય
ત્યારે જાતક રોગોથી પીડા પામે છે. અલ્પાયુષી, કુરુપ શરીર ધરાવનાર,
નીચ કર્મ કરનાર, શોકથી સંતાપિત હોય છે.
નવમ ભાવ: કુંડળીમાં નવમભાવમાં મંગળ સ્થિત હોય ત્યારે
જાતક પોતાના કાર્યોમાં અકુશળ હોય છે. ધર્મહીન,
પ્રાણીઓની હિંસા કરનાર, સદગુણોરહિત, પાપી અને તેમ છતાં રાજા દ્વારા સન્માનીત હોય છે.
દસમ ભાવ: જો દસમભાવમાં મંગળ રહેલો હોય તો જાતક
પોતાનાં કાર્યોમાં કુશળતા ધરાવનાર, શૂરવીર,
અજેય, મહત્વની વ્યક્તિઓની સેવા કરનાર, પુત્રો અને સંપતિનું સુખ પામનાર, પ્રતાપી, બળવાન હોય છે.
એકાદશ ભાવ: જો મંગળ એકાદશભાવમાં સ્થિત હોય તો જાતક
સદગુણી,
સુખી, શૂરવીર, સંપતિ,
ધાન્ય અને પુત્રોથી યુક્ત, દુ:ખરહિત હોય છે.
દ્વાદશ ભાવ: જો મંગળ બારમાં ભાવમાં રહેલો હોય તો
જાતક રોગિષ્ઠ આંખ ધરાવનાર, નૈતિક મૂલ્યોમાં પતન પામનાર,
પોતાની પત્નીની હત્યા કરનાર, ચાડીચુગલી કરનાર,
રૌદ્ર તેમજ અપમાન અને બંધન ભોગવનારો હોય છે.
ટિપ્પણીઓ