યોગકારક ગ્રહો અને રાજયોગ

યોગકારક ગ્રહો

જ્યારે કોઈ ગ્રહ ત્રિકોણાધિપતિ હોવાની સાથે-સાથે કેન્દ્રાધિપતિ પણ હોય ત્યારે તે ગ્રહ જે-તે જન્મલગ્ન માટે યોગકારક ગ્રહ બને છે. યોગકારક ગ્રહ એ કુંડળીનો પરમ શુભફળદાયક ગ્રહ છે. તે જાતકને પ્રતિષ્ઠા, માન-સન્માન, આર્થિક સુખ-સમૃધ્ધિ, સફ્ળતા, ખ્યાતિ વગેરે અપાવે છે. તેના ફળનો આધાર કુંડળીમાં તેની સ્થિતિ, બળાબળ અને અન્ય ગ્રહો સાથેનાં સંબંધ પર રહેલો છે.

વૃષભ અને તુલા લગ્ન માટે શનિ યોગકારક ગ્રહ છે. વૄષભ લગ્નમાં શનિ નવમ ત્રિકોણસ્થાનનો અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. તુલા લગ્નમાં શનિ ચતુર્થ કેન્દ્રસ્થાનનો અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે.

મકર અને કુંભ લગ્ન માટે શુક્ર યોગકારક ગ્રહ છે. મકર લગ્નમાં શુક્ર પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. કુંભ લગ્નમાં શુક્ર ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે.

કર્ક અને સિંહ લગ્ન માટે મંગળ યોગકારક ગ્રહ છે. કર્ક લગ્નમાં મંગળ પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. સિંહ લગ્નમાં મંગળ ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે.

અહીં જોઈ શકાય છે કે ફક્ત શનિ, શુક્ર અને મંગળ માટે જ યોગકારક ગ્રહ હોવું સંભવ છે. વળી શુક્રની રાશિનાં લગ્નો માટે યોગકારક ગ્રહ શનિ છે અને શનિની રાશિનાં લગ્નો માટે યોગકારક ગ્રહ શુક્ર છે.

રાજયોગ

રાજયોગ એ નામ પરથી જ કહી શકાય કે ગ્રહોનો એવો સંબંધ જે જાતકને રાજા સમાન સુખ, સત્તા અને સમૃધ્ધિ અપાવે. કુંડળીમાં જ્યારે કેન્દ્રાધિપતિ અને ત્રિકોણાધિપતિનો સંબંધ થાય છે ત્યારે રાજયોગની રચના થાય છે. દરેક કુંડળીમાં કેન્દ્રસ્થાન એ વિષ્ણુસ્થાનો છે અને ત્રિકોણસ્થાનો એ લક્ષ્મીસ્થાનો છે. આથી જ્યારે પણ કેન્દ્ર અને ત્રિકોણસ્થાનોનો સંબંધ થાય છે ત્યારે જાતક પર વિષ્ણુ અને લક્ષ્મી બંનેની કૃપા વરસે છે. જાતક સમૄધ્ધ અને શક્તિશાળી બને છે.

રાજયોગ માટે ગ્રહોનો સંબંધ નીચે પ્રકારે થાય છે.

૧. કેન્દ્ર અને ત્રિકોણાધિપતિની યુતિ
૨. કેન્દ્ર અને ત્રિકોણાધિપતિનો પરસ્પર દ્રષ્ટિસંબંધ
૩. કેન્દ્ર અને ત્રિકોણાધિપતિ વચ્ચે પરિવર્તન યોગ
૪. કેન્દ્રાધિપતિ ત્રિકોણસ્થાનમાં સ્થિત હોય અથવા ત્રિકોણાધિપતિ કેન્દ્રસ્થાનમાં સ્થિત હોય.

અહીં એ નોંધવુ જરૂરી છે કે રાજયોગની રચના કરનાર ગ્રહ અશુભસ્થાનોના સ્વામી ન હોવા જોઈએ. ઘણી કુંડળીઓમાં કેન્દ્ર અને ત્રિકોણાધિપતિનો સંબંધ જોવા મળે છે. પરંતુ આ સંબંધનું કેટલું ફળ મળશે તેનો આધાર કુંડળીમાં તે ગ્રહોની સ્થિતિ, બળાબળ અને અન્ય ગ્રહો સાથેનાં તેમનાં સંબંધ પર રહેલો છે. જ્યારે રાજયોગ રચનાર ગ્રહ તાત્કાલિક અશુભ ગ્રહોથી પીડિત હોય ત્યારે રાજયોગના ફળમાં ઘટાડો થાય છે. વળી જ્યારે બે ગ્રહો વચ્ચે ૧૨ અંશ કરતાં વધુ અંતર હોય ત્યારે પણ રાજયોગનું સંપૂર્ણ ફળ મળતું નથી. જ્યારે ગ્રહો નીચરાશિ સ્થિત હોય કે અસ્ત હોય, શત્રુરાશિ સ્થિત હોય અથવા નબળી અવસ્થામાં રહેલાં હોય ત્યારે પણ રાજયોગના ફળમાં ઘટાડો થાય છે.

કુંડળીમાં કેન્દ્રસ્થાનો અને ત્રિકોણસ્થાનો જેવા કે ૪ અને ૫ સ્થાન, ૫ અને ૭ સ્થાન, ૫ અને ૧૦ સ્થાન, ૪ અને ૯ સ્થાન, ૭ અને ૯ સ્થાન, ૯ અને ૧૦ સ્થાન વગેરેના સ્વામીઓ વચ્ચેનો સંબંધ રાજયોગની રચના કરે છે. આ બધામાં ૯ અને ૧૦ સ્થાનના સ્વામીઓથી બનતો રાજયોગ ધર્મ-કર્માધિપતિ યોગ પણ કહેવાય છે. ત્રિકોણસ્થાનોમાં નવમસ્થાન સૌથી બળવાન છે. જ્યારે કેન્દ્રસ્થાનોમાં દસમસ્થાન સૌથી બળવાન છે. આથી નવમ અને દસમસ્થાનના અધિપતિઓથી બનતો રાજયોગ સૌથી ઉત્તમ ગણાય છે. આ યોગ જાતકને નિષ્ઠાવાન, પ્રામાણિક અને સમર્પિત બનાવે છે.

વિપરિત રાજયોગ

જન્મકુંડળીના ૬, ૮ અને ૧૨ સ્થાનોનાં અધિપતિઓની યુતિ જો આ જ ત્રણમાંથી કોઈ એક સ્થાનમાં થતી હોય તો "વિપરિત રાજયોગ" બને છે. જો અન્ય કોઈ ગ્રહ આ યુતિ સાથે જોડાતો ન હોય તો વિપરિત રાજયોગનું સંપૂર્ણ ફ્ળ મળે છે. આ સિવાય કોઈ એક કે બે દુઃસ્થાનાધિપતિ અન્ય દુઃસ્થાનમાં હોય ત્યારે પણ વિપરિત રાજયોગનું ફ્ળ મળે છે. દુઃસ્થાનો જીવનમાં અનુભવાતા અવરોધના સૂચક છે. દુઃસ્થાનના અધિપતિની દુઃસ્થાનમાં ઉપસ્થિતિ અવરોધો માટે જ અવરોધરૂપ બની રહે છે. આથી વિપરિત રાજયોગ ધરાવનાર જાતક પ્રારંભિક સંઘર્ષ બાદ અદભૂત સફળતા મેળવે છે.

આ મૂળભૂત રાજયોગ સિવાય અન્ય રીતે પણ રાજયોગ રચાય છે. જેની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર