વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના

* રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય.
* રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે છે. રસોઈઘરમાં પ્રવેશ કરતી વખતે દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલે તે રીતે હોવો જોઈએ.
* મોટી બારીઓ પૂર્વ દિશામાં હોવી જોઈએ. જયારે નાની વધારાની બારીઓ દક્ષિણ દિશામાં રાખી શકાય. જેથી હવાની અવરજવર રહે.
* પ્લેટફોર્મ પૂર્વની દીવાલે હોવું જોઈએ. જો L આકારમાં પ્લેટફોર્મ બનાવવું હોય તો પૂર્વ અને દક્ષિણ દિશાની દીવાલે બનાવી શકાય.
* ગેસ સ્ટવને અગ્નિ કોણમાં રાખવો જોઈએ. રસોઈ કરતી વખતે રસોઈ કરનારનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ.
* ગેસ સ્ટવ રસોઈઘરની બહારથી દેખાય તે રીતે રાખવો ઉચિત નથી.
* ગેસ સિલીન્ડરને અગ્નિ કોણમાં રાખી શકાય. ખાલી થયેલા ગેસ સિલીન્ડરને નૈઋત્ય કોણમાં(દક્ષિણ-પશ્ચિમ) રાખવું.
* કિચન સિંકને ઇશાન કોણમાં રાખી શકાય. સિંક અને સ્ટવ એકબીજાથી નજીક ન હોવા જોઈએ. સિંકનો નળ ટપકતો ન હોવો જોઈએ.
* પીવાનું પાણી, વોટર ફિલ્ટર વગેરેને ઇશાન કોણમાં રાખવા જોઈએ.
* રેફ્રીજરેટરને વાયવ્ય કોણમાં રાખવું. ડીશ વોશરને પણ વાયવ્ય કોણમાં રાખી શકાય.
* માઈક્રોવેવ ઓવન, જ્યુસર, મિક્સર, ગ્રાઈન્ડર વગેરે ઉપકરણોને અગ્નિ કોણમાં રાખી શકાય.
* એક્ઝોસ્ટ ફેન પૂર્વ દિશા તરફની દીવાલે રાખી શકાય.
* ગેસ સ્ટવની ઉપર અલમારીઓ કે છાજલીઓ બનાવી વસ્તુઓ રાખવી યોગ્ય નથી. સ્ટવની ઉપરની જગ્યા ખાલી રાખવી જોઈએ અથવા ચિમની રાખી શકાય.
* ધન-ધાન્ય, મસાલા, ભારે વસ્તુઓનો સંગ્રહ દક્ષિણ અને પશ્ચિમ દિશાની અલમારીઓમાં કરવો. જો પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલે અલમારી કે છાજલીઓ હોય તો ત્યાં હળવી વસ્તુઓ જ રાખવી.
* ડાઇનિંગ ટેબલ જો રસોઈઘરમાં રાખવાનું હોય તો તેને રસોઈઘરની મધ્યમાં ન રાખતા વાયવ્ય કોણમાં રાખવું જોઈએ.
* આછો ગુલાબી, નારંગી અને પીળો ભૂખ ઉઘાડનારા રંગો છે. આથી દીવાલો અને ફર્શનો આ જ રંગ રાખવો.
ટિપ્પણીઓ